સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી સ્વીકારી, પોણા ત્રણ વર્ષે બહાર આવશે



સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી સ્વીકારી, પોણા ત્રણ વર્ષે બહાર આવશે



Tathya Patel: અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. ત્યારે પોણા ત્રણ વર્ષના જેલવાસ બાદ આખરે તથ્ય પટેલ જેલબહાર આવશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 સાક્ષીઓ તપાસવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો.
તથ્ય પટેલની જામીન અરજી તેના વકીલ આઈ.એચ.સૈયદ અને ઝીલ શાહે સુપ્રીમ સમક્ષ રજૂ કરી હતી. 191 સાક્ષી પૈકી આંખે દેખ્યા લગભગ 29 જેટલા સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ હોવાની સુપ્રીમ સમક્ષ રજૂઆત કરી હતી. જ્યારે બાકીના સાક્ષીઓ તપાસવાના બાકી છે.
1684 પાનાની ચાર્જશીટ
તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ફરિયાદ નોંધીને ઘટના બન્યાના 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તથ્ય સામે IPCની કલમ 304 લાગી છે, જેમાં 10 વર્ષ કેદની સજાની જોગવાઈ છે.
શું છે સમગ્ર ઘટના?
19 જુલાઈ, 2023ની મોડી રાતે એટલે કે 20મી જુલાઈના દિવસે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે ટોળા પર જેગુઆર કાર ચડાવી દીધી હતી. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના પડઘાં દેશભરમાં પડ્યા હતા. ત્યારબાદ તથ્ય પટેલને સાબરમતી જેલ ભેગો કરવામાં આવ્યો હતો.




