સુરતમાં ભારે વરસાદની અસર: વ્રજચોક ખાતે પાણીમાં ફસાઈ GSRTC બસ, 28 મુસાફરોનો સુરક્ષિત બચાવ



સુરતમાં ભારે વરસાદની અસર: વ્રજચોક ખાતે પાણીમાં ફસાઈ GSRTC બસ, 28 મુસાફરોનો સુરક્ષિત બચાવ



સુરત: શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે વરાછા વિસ્તારના વ્રજચોક-સરથાણા જકાતનાકા પાસે આજે (7 જુલાઈ) એક GSRTC બસ પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. આ ઘટના સવારે અંદાજે 11:50થી 12:15 વાગ્યાની વચ્ચે બની હતી.
માહિતી મુજબ, ખંભાતથી સુરત રૂટ પર દોડી રહેલી GSRTC બસ (નં. GJ-18 ZT 3299) વરસાદી પાણીમાં ફસાઈ જતાં બસમાં સવાર 28 મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બસના ડ્રાઈવર મુકેશભાઈ રાવત અને કંડક્ટર ઇલિયાસભાઈ હુસેનભાઈ સૈયદ ફરજ પર હતા.
ઘટનાની જાણ થતાં સરથાણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બસમાં ફસાયેલા તમામ 28 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ મુસાફરને ઇજા થઈ નહોતી. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી હોવાથી તંત્રએ નાગરિકો અને વાહનચાલકોને જરૂરી સાવચેતી રાખવા તેમજ પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થવાનું ટાળવા અપીલ કરી છે.




