Get News Alerts

Never miss breaking news updates.

સુરતની SBI બેંક લૂંટકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, લૂંટની રકમ ખસેડવામાં મદદ કરી હતી

Surat News: શહેરના વરાછા વિસ્તારની SBI બેંકમાં થયેલી કરોડો રૂપિયાની ચર્ચાસ્પદ લૂંટની ઘટનામાં સુરત પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. લગભગ 48.15 લાખ રૂપિયાની ધાડના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ મુખ્ય સૂત્રધારે પોતાના મિત્રને બિહારથી ગુજરાત બોલાવી લૂંટની રકમ ખસેડવા અને અન્ય મદદ માટે ઉપયોગ કર્યો હતો.
Admin
AdminUpdated on: 15 Jun 2026 10:54 PM IST
સુરતની SBI બેંક લૂંટકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, લૂંટની રકમ ખસેડવામાં મદદ કરી હતીસુરતની SBI બેંક લૂંટકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, લૂંટની રકમ ખસેડવામાં મદદ કરી હતી

Surat News: શહેરના વરાછા વિસ્તારની SBI બેંકમાં થયેલી કરોડો રૂપિયાની ચર્ચાસ્પદ લૂંટની ઘટનામાં સુરત પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. લગભગ 48.15 લાખ રૂપિયાની ધાડના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ મુખ્ય સૂત્રધારે પોતાના મિત્રને બિહારથી ગુજરાત બોલાવી લૂંટની રકમ ખસેડવા અને અન્ય મદદ માટે ઉપયોગ કર્યો હતો.

પોલીસે રોહિતકુમાર રૂપેશસિંગ રાઠોડ (ઉ.વ. 24), વતન કોલવારા ગામ, મુજફ્ફરપુર, બિહારમાંથી 14 જૂન 2026ના રોજ રાત્રે 11:30 વાગ્યે ધરપકડ કરી હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?
પોલીસ ફરિયાદ અનુસાર 27 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 1 વાગ્યે વરાછાના એલ.એચ. રોડ પર આવેલ શક્તિ ટાવરના પ્રથમ માળે આવેલી SBI બેંક બ્રાંચમાં પાંચથી વધુ અજાણ્યા શખ્સો ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ પિસ્તોલ જેવા હથિયારો બતાવી બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

લૂંટારૂઓએ બેંકના કર્મચારીઓ સાથે મારઝૂડ કરી, ગ્રાહકો અને સ્ટાફને બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ બેંકમાં રહેલી રૂ.10.15 લાખથી વધુની રોકડ તેમજ ઘોડદોડ રોડ સ્થિત SBIની મુખ્ય શાખામાંથી મંગાવવામાં આવેલા રૂ.40 લાખમાંથી રૂ.38 લાખ લૂંટી લીધા હતા. આ ઉપરાંત કેટલાક ગ્રાહકોના મોબાઇલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા. આ રીતે આરોપીઓ કુલ રૂ.48,15,870ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

સિગ્નલ એપ દ્વારા રચાયું હતું લૂંટનું કાવતરું
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર એલેક્સ ઉર્ફે અખિલેશકુમાર નામનો વોન્ટેડ આરોપી હતો. તેણે મોબાઇલમાં સિગ્નલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અન્ય સાગરિતો સાથે સંપર્ક સાધ્યો હતો અને વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકને નિશાન બનાવી લૂંટનું આયોજન કર્યું હતું.

તપાસ મુજબ એલેક્સે મિત્ર રોહિતકુમારનો સંપર્ક કરી તેને મોટું કામ હોવાનું કહી મદદ કરવા માટે રાજી કર્યો હતો. તેના બદલામાં પૈસા આપવાની પણ લાલચ આપવામાં આવી હતી.

બિહારથી ગુજરાત બોલાવ્યો, ભરૂચ અને અમદાવાદમાં રાખ્યો
પોલીસના જણાવ્યા મુજબ, એલેક્સના કહેવા પર રોહિતકુમાર મિત્ર પ્રિન્સ સાથે બિહારના મુજફ્ફરપુરથી ગુજરાત આવ્યો હતો. શરૂઆતમાં તેને ભરૂચ બોલાવવામાં આવ્યો હતો અને સંપર્કમાં રહેવા જણાવાયું હતું. ત્યારબાદ તે અમદાવાદ ગયો હતો, જ્યાં હાજીરા ખાતે કામ કરતા પિતાને મળવા ગયો અને થોડા દિવસ રોકાયો હતો. ત્યારપછી ફરી એલેક્સના સંપર્ક બાદ ભરૂચ પરત આવ્યો હતો.

લૂંટ બાદ રકમ ભરેલો થેલો લઈને અમદાવાદ થઈને દિલ્હી પહોંચ્યો
પોલીસ તપાસમાં એક મહત્વની વિગતો સામે આવી છે કે, લૂંટની ઘટના બાદ એલેક્સે રોહિતકુમારનો ભરૂચ ખાતે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ લૂંટની રકમ ભરેલો થેલો લઈને બંને બસ મારફતે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદથી તેઓ ખાનગી ટ્રાવેલ્સમાં બેસી જયપુર મારફતે દિલ્હી ગયા હતા. મુસાફરી દરમિયાન એલેક્સે રોહિતકુમારને બ્લ્યુ કલરની બેગમાં રહેલા નોટોના બંડલ બતાવી સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ વરાછાની SBI બેંકમાંથી લૂંટેલા પૈસા છે.

1.30 લાખ રૂપિયા આપીને એકાઉન્ટમાં જમા કરાવ્યા
પોલીસ અનુસાર દિલ્હી જતી વખતે એલેક્સે રોહિતકુમારને રૂ.1.30 લાખ રોકડા આપ્યા હતા અને કેટલાક બેંક એકાઉન્ટમાં જમા કરાવવા સૂચના આપી હતી. રોહિતકુમારે વતન બિહારમાં જઈ એલેક્સ દ્વારા સિગ્નલ એપ મારફતે મોકલાયેલા એકાઉન્ટ નંબર પર આ રકમ જમા કરાવી હતી. પછી જ્યારે પોલીસ તપાસ તેજ બની અને આરોપીઓને ઓળખ ખુલવાની આશંકા થઈ, ત્યારે મુખ્ય આરોપી એલેક્સ ઉર્ફે અખિલેશકુમારે સિગ્નલ એપ ડિ-એક્ટિવ કરી દીધી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

મુખ્ય આરોપી હજુ ફરાર
પોલીસે રોહિતકુમારની ધરપકડ બાદ તેની પૂછપરછ શરૂ કરી છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે, લૂંટની રકમ ક્યાં-ક્યાં ખસેડવામાં આવી હતી અને અન્ય કેટલા લોકો આ કાવતરામાં સંડોવાયેલા હતા. હાલ સમગ્ર કેસનો મુખ્ય સૂત્રધાર એલેક્સ ઉર્ફે અખિલેશકુમાર સહિત અન્ય આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરતની આ હાઈપ્રોફાઇલ બેંક લૂંટ કેસમાં પોલીસને મળેલી આ નવી સફળતા બાદ હવે મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે. પોલીસે આશા વ્યક્ત કરી છે કે, પકડાયેલા આરોપીની પૂછપરછથી લૂંટની સમગ્ર સાંકળ અને બાકીના સાગરિતો અંગે વધુ મહત્વની માહિતી મળી શકશે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.