છેલ્લા 33 વર્ષથી કોર્ટમાં હાજર ન રહેનારા 3 આરોપીની ધરપકડ, અમદાવાદ-સુરતમાં કાર્યવાહી



છેલ્લા 33 વર્ષથી કોર્ટમાં હાજર ન રહેનારા 3 આરોપીની ધરપકડ, અમદાવાદ-સુરતમાં કાર્યવાહી



Surat News: સુરત શહેર પોલીસ દ્વારા લાંબા સમયથી કોર્ટમાં હાજર ન રહેનારા આરોપીઓ સામે હાથ ધરવામાં આવેલી ખાસ ઝૂંબેશને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમે કોર્ટ દ્વારા જાહેર કરાયેલા કલમ-70 મુજબના વોરંટના કામે છેલ્લા 33 વર્ષથી ફરાર અને કોર્ટ સમક્ષ હાજર ન રહેનારા ત્રણ આરોપીઓને શોધી કાઢી તેમની ધરપકડ કરી છે. આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કોર્ટના વોરંટ સામે હાજર ન રહેનારા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ અને ગુપ્ત બાતમીદારોની મદદથી વર્ષોથી ફરાર આરોપીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી.
અમદાવાદના ચાંદખેડાથી 60 વર્ષીય આરોપીની ધરપકડ
તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી કોર્ટમાં હાજર ન રહેનારો આરોપી અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહે છે. આ માહિતીના આધારે સલાબતપુરા પોલીસની વિશેષ ટીમ અમદાવાદ મોકલવામાં આવી હતી.પોલીસની ટીમે ચાંદખેડા વિસ્તારમાં દરોડો પાડી 60 વર્ષીય તામાજી તરસનજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ પાટણ જિલ્લાના હારીજ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેની ધરપકડ બાદ તેને સુરત લાવી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
સુરતમાંથી વધુ બે ભાઈઓ ઝડપાયા
આ દરમિયાન સલાબતપુરા પોલીસની બીજી ટીમ પણ અન્ય વોરંટિયા આરોપીઓની શોધખોળમાં વ્યસ્ત હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે પોલીસને સુરત શહેરમાં બે આરોપીઓ હાજર હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસ ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા. આરોપીઓમાં જયંતિભાઈ ઇશ્વરભાઈ પટેલ (ઉ.વ. 63), દિનેશભાઈ ઇશ્વરભાઈ પટેલ (ઉ.વ. 66)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ મૂળ મહેસાણા જિલ્લાના દેવીનાપુરા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
33 વર્ષ જૂના વોરંટનો અમલ
પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણેય આરોપીઓ કોર્ટનું વોરંટ હોવા છતાં છેલ્લા અંદાજે 33 વર્ષથી કોર્ટ સમક્ષ હાજર થયા ન હતા. લાંબા સમયથી પેન્ડિંગ રહેલા આવા વોરંટના અમલ માટે સલાબતપુરા પોલીસે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. ટેક્નિકલ ઇનપુટ, માનવ સૂત્રો અને સતત મોનિટરિંગના કારણે આખરે ત્રણેય આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મળી છે.
આ કાર્યવાહીથી વર્ષો જૂના કોર્ટ વોરંટોના અમલમાં પોલીસને નોંધપાત્ર સફળતા મળી હોવાનું માનવામાં આવે છે. સુરત શહેર પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવા ફરાર અને વોરંટિયા આરોપીઓ સામે સઘન અભિયાન ચાલુ રાખવામાં આવશે.




