સુરતમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત મોટી કાર્યવાહી, બે આરોપીની ધરપકડ



સુરતમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ અંતર્ગત મોટી કાર્યવાહી, બે આરોપીની ધરપકડ



Surat News: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે “ઓપરેશન મેન્યુઅલ હન્ટ 2.0” હેઠળ મોટી સફળતા મેળવી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા વધુ બે નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડી સમગ્ર રેકેટની તપાસ તેજ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમ સેલે પંકજકુમાર રામાણી નામના આરોપીની ધરપકડ કરી છે. ફરિયાદીના દીકરાને શેર માર્કેટમાં 390 ટકા નફાની લાલચ આપી “BRD Fund 100 - Day Wealth Leap Program” મારફતે રોકાણ કરાવવામાં આવ્યું હતું. “BRP Fund104 - Grow Together” નામના વોટ્સએપ ગ્રુપથી સંપર્ક કરી બનાવટી વેબસાઇટ પર ખોટો નફો દર્શાવી કુલ 5.99 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાયા બાદ શરૂ થયેલી તપાસમાં ICICI બેંકના એક ખાતાનો ઉપયોગ સામે આવ્યો હતો. આ ખાતું પંકજકુમાર રામાણીએ કમિશન લઈને અન્ય લોકોને ઉપયોગ માટે આપ્યું હોવાનું બહાર આવ્યું છે. આ તપાસમાં આ ખાતામાં 2.72 કરોડથી વધુના વ્યવહારો અને દેશભરમાંથી 37 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે 7.86 લાખ રૂપિયાના ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં વધુ એક આરોપી સંજય મોહનભાઈ મારૂની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. ઠગોએ એક્યુમેન ઇન્વેસ્ટમેન્ટ કંપનીના નામે બનાવટી વેબસાઇટ બનાવી ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
તપાસમાં ખુલ્યું કે, આરોપી સંજય મારૂએ કમિશન લઈને બેંક ખાતું સાયબર ઠગોને ઉપલબ્ધ કરાવ્યું હતું અને દિલ્હી જઈ ખાતું અન્ય આરોપીઓને સોંપ્યું હતું. અગાઉ આ કેસમાં મહેન્દ્ર શંકરભાઈ સોલંકીની પણ ધરપકડ થઈ ચૂકી છે. મહેન્દ્રના બેંક ખાતાની દેશભરમાં 20 જેટલા સાયબર ફ્રોડ કેસોમાં સંડોવણી સામે આવી છે, જેમાં કુલ 5.67 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થયાનું ખુલ્યું છે.
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ હવે બંને કેસોમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ તેમજ નાણાકીય કડીઓની તપાસ આગળ ધપાવી રહી છે. “ઓપરેશન મેન્યુઅલ હન્ટ 2.0” હેઠળ વધુ ધરપકડની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




