Get News Alerts

Never miss breaking news updates.

પરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પતિને ધાબા પરથી ફેંક્યો, વાંચો સુરતનો હચમચાવતો કિસ્સો

Surat Police: સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી રહેમતનગર સોસાયટીમાં થોડા દિવસો પહેલાં અકસ્માત તરીકે સામે આવેલી એક વ્યક્તિના મોતની ઘટનામાં ચોકબજાર પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
Admin
AdminUpdated on: 15 Jun 2026 07:08 PM IST
પરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પતિને ધાબા પરથી ફેંક્યો, વાંચો સુરતનો હચમચાવતો કિસ્સોપરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પતિને ધાબા પરથી ફેંક્યો, વાંચો સુરતનો હચમચાવતો કિસ્સો

Surat Police: સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી રહેમતનગર સોસાયટીમાં થોડા દિવસો પહેલાં અકસ્માત તરીકે સામે આવેલી એક વ્યક્તિના મોતની ઘટનામાં ચોકબજાર પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં બિલ્ડિંગ પરથી પડી જવાથી થયેલા અકસ્માત મૃત્યુ તરીકે નોંધાયેલી આ ઘટનામાં પોલીસે તપાસ દરમિયાન હત્યાનું ભેદ ઉકેલી મૃતકની પત્નિ અને તેના પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે.

મળતી માહિતી મુજબ, વેડ રોડના પંડોળ વિસ્તારમાં રહેમતનગર સોસાયટીમાં રહેતા જન્મજયકુમાર તીર્થ રાયનું (ઉ.વ. 42) 8 જૂનના રોજ વહેલી સવારે શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. મૃતક મૂળ ઝારખંડ રાજ્યનો રહેવાસી હતો અને સુરતમાં પરિવાર સાથે રહેતો હતો. આ ઘટનાના દિવસે મૃતકની પત્ની ચાંદનીકુમારી જન્મજયકુમાર રાયે (ઉ.વ. 32) પોલીસને જાણ કરી હતી કે, તેના પતિ બિલ્ડિંગ પરથી પડી જતા ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત થયું હતું. આ આધારે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ અને તેનાથી થયેલા રક્તસ્ત્રાવ ઉપરાંત મગજમાં આંતરિક રક્તસ્ત્રાવના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આ હકીકત બાદ પોલીસને સમગ્ર ઘટનામાં શંકા જતાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

ચોકબજાર પોલીસ દ્વારા ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. ફૂટેજમાં એક અજાણ્યા વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસનો દોર મૃતકની પત્ની તરફ વળ્યો હતો. ત્યારબાદ પોલીસે ચાંદનીકુમારીની સઘન પૂછપરછ કરતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ચાંદનીકુમારીનો શુલભસિંહ બમબહાદુરસિંહ (ઉ.વ. 28) નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. શુલભસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કામ કરતો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, મૃતક જન્મજયકુમાર અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીએ આરોપ મૂક્યો હતો કે તેનો પતિ તેને મારઝૂડ કરતો હતો. આ કારણોસર તેણે પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, 7 જૂનની મધરાત બાદ જ્યારે જન્મજયકુમાર ઘરમાં ગાઢ નિંદ્રામાં સૂતા હતા, ત્યારે ચાંદનીકુમારીએ પ્રેમી શુલભસિંહને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. પ્રેમી ઘેર પહોંચ્યા બાદ બંનેએ મળીને સૂતા જન્મજયકુમારને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધા હતા. જો કે, નીચે પડ્યા બાદ પણ જન્મજયકુમાર જીવિત હોવાનું જણાયું હતું.

આ દરમિયાન કાવતરાખોર પ્રેમી શુલભસિંહ નીચે ઉતરી ગયો હતો અને સાથે લાવેલી ધાગા કટિંગ માટે વપરાતી બ્લેડ વડે જન્મજયકુમારના ગળાના ભાગે ઘા મારી દીધા હતા. ગંભીર ઈજાઓ અને વધુ રક્તસ્ત્રાવના કારણે જન્મજયકુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ સમગ્ર ઘટનાને અકસ્માતનો રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ટેક્નિકલ પુરાવા અને સીસીટીવી ફૂટેજના આધારે ચોકબજાર પોલીસે સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. તિવારીએ ફરિયાદી બની ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 61(2), 54 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.

પોલીસે તપાસ દરમિયાન આરોપી શુલભસિંહ બમબહાદુરસિંહને ફૂલવાડી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પત્ની ચાંદનીકુમારી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને હત્યાના કાવતરાને લગતા અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. શરૂઆતમાં અકસ્માત લાગતી ઘટનાનો અંતે પ્રેમસંબંધ, દાંપત્યકલહ અને પૂર્વ આયોજિત હત્યા સુધી પહોંચેલો આ કેસ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.