સુરતમાં ધોધમાર વરસાદે તંત્રના દાવાની પોલ ખોલી, કામરેજ પાસે NH-48નો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ



સુરતમાં ધોધમાર વરસાદે તંત્રના દાવાની પોલ ખોલી, કામરેજ પાસે NH-48નો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ



સુરત: સમગ્ર સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને કામરેજ ચાર રસ્તા નજીક નેશનલ હાઇવે-48ના સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
સર્વિસ રોડ પર પાણી ભરાવાને કારણે રસ્તો લગભગ બંધ થઈ ગયો છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિને કારણે નેશનલ હાઇવે-48 પર પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ વાહનોને માત્ર એક જ લેનમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેના કારણે લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવે છે, છતાં દર વર્ષે આ જ સ્થળે પાણી ભરાઈ જાય છે. પરિણામે વરસાદી પાણીના નિકાલની કામગીરી અને આયોજન સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દર વર્ષે આ સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે, છતાં કાયમી ઉકેલ લાવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી.
વાહનચાલકોએ પણ તંત્રને વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા સુધારી માર્ગને વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાની માંગ કરી છે.




