સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે બે દિવસ ફેક્ટરીઓ બંધ

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે તમામ ફેક્ટરીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જ્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તમામ રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul Desai
ફાઈલ ફોટોફાઈલ ફોટો

ફાઈલ ફોટો

સુરત: હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. અચાનક પૂર અને અન્ય આપત્તિજનક પરિસ્થિતિની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર તેજસ પરમારે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે.

કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ સુરત જિલ્લાના તમામ ફેક્ટરીઓને 31 જુલાઈ અને 1 ઓગસ્ટ, 2026ના રોજ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણય ભારતીય હવામાન વિભાગ (IMD)ની ભારે વરસાદની આગાહી અને મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓના આધારે લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત સુરત જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના મુખ્ય મથકે હાજર રહી જરૂરી ફરજો બજાવવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રે જણાવ્યું છે કે ભારે વરસાદ, પૂર અને અન્ય આપત્તિ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ નાગરિકોને સાવચેત રહેવા અને વહીવટી તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.