વધુ એક પાટીદાર લોકગાયિકાએ કર્યા આંતરજ્ઞાતિય લગ્ન, પરિવાર દ્વારા વિરોધ



વધુ એક પાટીદાર લોકગાયિકાએ કર્યા આંતરજ્ઞાતિય લગ્ન, પરિવાર દ્વારા વિરોધ



Love Marriage Controversy: તાજેતરમાં પાટીદાર સમાજમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. સુરતની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમલગ્ન કરતા સોશિયલ મીડિયામાં ચર્ચા અને વિરોધ શરૂ થયો છે.
સમાજના અગ્રણી હિરેન ભેંસાણીયા (રુદ્રા)એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પાટીદાર સમાજના કાર્યક્રમોમાં રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલાને મંચ ન આપવાની અપીલ કરી છે. તેમણે સમાજના મંડળો અને આયોજકોને એકજૂટ થવા આહ્વાન કર્યું છે.
હિરેન ભેંસાણીયાના જણાવ્યા મુજબ, 20 મે 2026ના રોજ બંને ઘરેથી નીકળી ગયા બાદ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ બંને પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. દીકરીના આ પગલાંથી પરિવાર આઘાતમાં હોવાનું અને હાલ કોઈ સાથે વાત કરવાની સ્થિતિમાં ન હોવાનું પણ જણાવાયું છે. પરિવારની માગ છે કે દીકરી ઘરે પરત ફરે.
બીજી તરફ કેટલાક સામાજિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, પાટીદાર સમાજની ઉભરતી ગાયિકાઓને સોફ્ટ ટાર્ગેટ બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જો કે, તેમણે કાયદો હાથમાં ન લેવાની અને સામાજિક સ્તરે વિરોધ વ્યક્ત કરવાની વાત કરી છે. પ્રેમલગ્ન બાદ રિદ્ધિ રાજપરાએ સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલીને ‘આરજે વાઘેલા’ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. સમાજની અપીલ બાદ તેમના કેટલાક કાર્યક્રમો રદ કરાયા હોવાની પણ ચર્ચા છે.




