સુરતમાં વસ્તી ગણતરીના પ્રથમ દિવસે જ વિવાદ, કીટ ન મળતા કામગીરી શરૂ થઈ નહીં



સુરતમાં વસ્તી ગણતરીના પ્રથમ દિવસે જ વિવાદ, કીટ ન મળતા કામગીરી શરૂ થઈ નહીં



સુરત: દેશની સૌથી મોટી વસ્તી ગણતરીની કામગીરીનો પ્રથમ તબક્કો આજથી શરૂ થવાનો હતો, પરંતુ સુરતમાં પ્રથમ દિવસે જ કામગીરી પર બ્રેક લાગી ગઈ છે. વસ્તી ગણતરી માટે નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓને જરૂરી કીટ ન મળતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં કામગીરી શરૂ થઈ શકી નથી.
સુરત જિલ્લામાં વસ્તી ગણતરી પ્રક્રિયા માટે આશરે 10,800 ગણતરીદારો અને 1,800 સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવી છે. જોકે, જે કીટ ગણતરીદારોને આપવામાં આવવી જોઈએ તે હજુ સુધી તેમના સુધી પહોંચી નથી. પરિણામે પ્રથમ દિવસે જ વસ્તી ગણતરીનું કાર્ય ઠપ્પ રહ્યું છે.
આ મામલે શિક્ષકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. સમયસર કામગીરી શરૂ નહીં થતાં આગામી દિવસોમાં વર્કલોડ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ શાળાઓનું વેકેશન પૂર્ણ થયા બાદ પણ વસ્તી ગણતરીનું કામ ચાલુ રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
શિક્ષકોએ "એક શિક્ષક - એક બ્લોક"ની માંગ ઉઠાવી છે. ઉપરાંત સગર્ભા મહિલાઓ, પ્રસૂતિ બાદની મહિલાઓ તેમજ મેડિકલ ઈમરજન્સી ધરાવતા કર્મચારીઓને આ કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ પણ કરવામાં આવી છે.
શિક્ષકોનો આક્ષેપ છે કે પોતાની શાળા અથવા રહેણાંક વિસ્તારની નજીકના વિસ્તારો ફાળવવાની માંગ પણ સ્વીકારવામાં આવી નથી. જો આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વસ્તી ગણતરીના કાર્યનો વિરોધ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
આમ, સુરતમાં વસ્તી ગણતરીના પ્રથમ જ દિવસે કીટ વિતરણ અને કર્મચારીઓની માંગણીઓને લઈને ભારે વિવાદ ઊભો થયો છે, જેના કારણે સમગ્ર પ્રક્રિયા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




