કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો પ્રથમ મેડલ પાકો: લવલીના બોર્ગોહેન સીધી સેમિફાઇનલમાં પહોંચી

Lovlina Borgohain Commonwealth Games 2026: કોમનવેલ્થ ગેમ્સ 2026ની સત્તાવાર શરૂઆત પહેલાં જ ભારત માટે ખુશખબર આવી છે. ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા ભારતીય બોક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓની 75 કિલો વજન શ્રેણીમાં સેમિફાઇનલમાં સીધી એન્ટ્રી મેળવી ભારતનો પ્રથમ મેડલ નિશ્ચિત કરી દીધો છે. મહિલાઓની 75 કિલો કેટેગરીમાં માત્ર પાંચ બોક્સરો હોવાથી ડ્રો મુજબ લવલીના સહિત ત્રણ ખેલાડીઓને સીધી સેમિફાઇનલમાં સ્થાન મળ્યું છે....
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Lovlina Borgohain Commonwealth Games 2026: કોમનવેલ્થ ગેમ્સ 2026ની સત્તાવાર શરૂઆત પહેલાં જ ભારત માટે ખુશખબર આવી છે. ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા ભારતીય બોક્સર લવલીના બોર્ગોહેને મહિલાઓની 75 કિલો વજન શ્રેણીમાં સેમિફાઇનલમાં સીધી એન્ટ્રી મેળવી ભારતનો પ્રથમ મેડલ નિશ્ચિત કરી દીધો છે.

મહિલાઓની 75 કિલો કેટેગરીમાં માત્ર પાંચ બોક્સરો હોવાથી ડ્રો મુજબ લવલીના સહિત ત્રણ ખેલાડીઓને સીધી સેમિફાઇનલમાં સ્થાન મળ્યું છે. બોક્સિંગના નિયમો અનુસાર સેમિફાઇનલમાં હારનાર બંને ખેલાડીઓને કાંસ્ય પદક આપવામાં આવે છે. તેથી લવલીનાએ પોતાનો પ્રથમ મુકાબલો રમ્યા પહેલાં જ ઓછામાં ઓછો કાંસ્ય પદક પાકો કરી લીધો છે.

31 જુલાઈએ સેમિફાઇનલમાં ઉતરશે
લવલીના હવે 31 જુલાઈએ સેમિફાઇનલમાં તાફાકી સામે ટક્કર લેશે. આ મુકાબલો જીતશે તો તેઓ ફાઇનલમાં પહોંચીને ઓછામાં ઓછો રજત પદક નિશ્ચિત કરશે, જ્યારે હારશે તો પણ કાંસ્ય પદક તેમના નામે રહેશે.

કોમનવેલ્થમાં પ્રથમ પોડિયમ ફિનિશ
લવલીના માટે આ કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ પોડિયમ ફિનિશ રહેશે. ગોલ્ડ કોસ્ટ 2018માં તેઓ ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ હતી, જ્યારે બર્મિંઘમ 2022માં પ્રથમ જ મુકાબલામાં પરાજય મળ્યો હતો. આ વખતે તેમણે નવી 75 કિલો વજન શ્રેણીમાં ઉત્કૃષ્ટ શરૂઆત કરી છે.

મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સમાં અનોખી સિદ્ધિ
આ મેડલ સાથે લવલીનાએ ઓલિમ્પિક, એશિયન ગેમ્સ અને હવે કોમનવેલ્થ ગેમ્સ—ત્રણે મોટા આંતરરાષ્ટ્રીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સમાં પદક જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં તેમણે કાંસ્ય પદક જીત્યો હતો, જ્યારે 2023ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

ઉદ્ઘાટન સમારોહમાં ખાસ જવાબદારી
ગુરુવારે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં લવલીના બોર્ગોહેન અને ઓલિમ્પિક રજત પદક વિજેતા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ ભારતીય દળના ફ્લેગ અને બેટન બેરર તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ખેલપ્રેમીઓ હવે આશા રાખી રહ્યા છે કે લવલીના સેમિફાઇનલ અને ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે ગોલ્ડ મેડલ જીતશે.