હોસ્પિટલમાં સર્જરી દરમિયાન સોનુ નિગમનો વીડિયો વાયરલ, ચાહકોએ ગણાવી ‘સંગીતની શક્તિ’


હોસ્પિટલમાં સર્જરી દરમિયાન સોનુ નિગમનો વીડિયો વાયરલ, ચાહકોએ ગણાવી ‘સંગીતની શક્તિ’


સંગીત પ્રત્યેનો પ્રેમ હોય તો મુશ્કેલીની સ્થિતિમાં પણ સૂરનો સાથ છૂટતો નથી. જાણીતા ગાયક સોનુ નિગમે હોસ્પિટલમાં સર્જરી દરમિયાન પણ સંગીત પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સર્જરી ટેબલ પરથી જ દિગ્ગજ ગાયક મોહમ્મદ રફીનું લગભગ 77 વર્ષ જૂનું ગીત ગાતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સોનુ નિગમ તાજેતરમાં નાની સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. સર્જરી પહેલાંની તૈયારી દરમિયાન તેઓ હોસ્પિટલના ટેબલ પર હતા ત્યારે તેમણે અચાનક મોહમ્મદ રફીનું ક્લાસિક ગીત ગાવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આસપાસ હોસ્પિટલના સાધનો અને ઓક્સિજન માસ્ક હોવા છતાં સોનુ નિગમના અવાજમાં સૂર અને મીઠાશ જળવાઈ રહી હતી.
વીડિયોમાં સોનુ નિગમ રફી સાહેબને શ્રદ્ધાંજલિ આપતા ગીત ગાતા જોવા મળે છે. તેમના આ અંદાજથી આસપાસ હાજર સ્ટાફ અને અન્ય લોકોના ચહેરા પર પણ સ્મિત આવી ગયું હતું.
વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ થોડા જ સમયમાં વાયરલ થયો હતો. સોનુ નિગમના ચાહકોએ તેમના સંગીત પ્રત્યેના જુસ્સાની પ્રશંસા કરી હતી. અનેક લોકોએ કોમેન્ટ કરીને કહ્યું હતું કે મુશ્કેલી અને તકલીફની સ્થિતિમાં પણ આટલી શાંતિથી અને સુરીલા અવાજમાં ગાવું ખરેખર પ્રેરણાદાયી છે.
કેટલાક ચાહકોએ આ ક્ષણને ‘સંગીતની શક્તિ’ ગણાવી હતી અને સોનુ નિગમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
સોનુ નિગમ દિગ્ગજ ગાયક મોહમ્મદ રફીના મોટા ચાહક છે અને અનેક પ્રસંગોએ સ્ટેજ પર રફી સાહેબને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી ચૂક્યા છે. હોસ્પિટલમાં સર્જરી પહેલાંનો આ વીડિયો પણ તેમના ચાહકોના દિલને સ્પર્શી ગયો છે.
મળતી માહિતી પ્રમાણે, સોનુ નિગમની તબિયત હાલ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેઓ ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ શકે છે.




