સોનુ નિગમ નસોની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે, સારવાર વચ્ચે પણ સ્ટેજ પર પરફોર્મન્સ ચાલુ રાખ્યું



સોનુ નિગમ નસોની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે, સારવાર વચ્ચે પણ સ્ટેજ પર પરફોર્મન્સ ચાલુ રાખ્યું



પ્રખ્યાત પ્લેબેક સિંગર સોનું નિગમ હાલમાં એક ગંભીર આરોગ્ય સમસ્યાથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે તેમને નસો દબાઈ જવાની સમસ્યા થઈ છે, જેના કારણે તેમને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તીવ્ર દુખાવો સહન કરવો પડી રહ્યો છે.
સોનુ નિગમે જણાવ્યું કે તેઓએ છેલ્લા કેટલાક દિવસોમાં અનેક MRI અને CT સ્કેન કરાવ્યા છે અને સતત તબીબી સારવાર હેઠળ છે. તેમની સારવારમાં દવાઓ, પેઈન મેનેજમેન્ટ અને નિયમિત ફિઝિયોથેરાપી સામેલ છે. તેમણે કહ્યું કે ફિઝિયોથેરાપી દરમિયાન થતી પીડા પણ ઘણી તીવ્ર હોય છે, છતાં તેઓ સારવાર ચાલુ રાખી રહ્યા છે.
ગાયકના જણાવ્યા મુજબ તેમને આપવામાં આવેલી મસલ રિલેક્સન્ટ દવાઓનો અસર તેમના અવાજ પર પણ પડી રહ્યો છે. તેમણે સ્વીકાર્યું કે ગળામાં ભાર લાગવો અને અવાજમાં ફેરફાર થવો તેમના માટે ચિંતાજનક છે, કારણ કે તેઓ સતત લાઈવ પરફોર્મન્સ કરે છે. તેમ છતાં તેઓ પોતાની મુંબઈમાં નક્કી કરેલી પરફોર્મન્સ માટે સ્ટેજ પર પહોંચ્યા હતા.
વીડિયોમાં સોનુ નિગમ એક ખુરશી પર બેઠેલા જોવા મળ્યા હતા, જેમાં તેમના ગળા પાસે બેન્ડેજ પણ દેખાતું હતું. તેમણે જણાવ્યું કે લગભગ એક મહિના પછી તેઓ ફરીથી પરફોર્મ કરી રહ્યા છે, અને હાલ તેમનો આત્મવિશ્વાસ થોડો ઓછો છે પરંતુ તેઓ પ્રેક્ષકો સામે પોતાના પ્રતિબદ્ધતા નિભાવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે સારવાર અને પીડા વચ્ચે પણ તેઓ પોતાના કામને મહત્વ આપે છે અને ભગવાન તેમને સ્ટેજ પર શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે. સોનુ નિગમ છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય સંગીત જગતમાં સક્રિય છે અને અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાઈ ચૂક્યા છે. તેમની આ સ્થિતિએ ચાહકોમાં ચિંતા ઉભી કરી છે, પરંતુ તેઓ સતત સ્વસ્થ થવા માટે પ્રયત્નશીલ છે.




