સોમનાથમાં 13 ઓગસ્ટથી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ, ભજન-ભોજન અને ભક્તિનો સંગમ બનશે પ્રથમ જ્યોતિર્લિંગ


સોમનાથમાં 13 ઓગસ્ટથી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ, ભજન-ભોજન અને ભક્તિનો સંગમ બનશે પ્રથમ જ્યોતિર્લિંગ


સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વર્ષે ભવ્ય 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી સોમનાથમાં શ્રાવણ મહિનો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન બનશે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટશે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે.
પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ:
આ વર્ષે સોમનાથમાં પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો આ યજ્ઞમાં જોડાઈને આહુતિ આપી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
યજ્ઞનો સમય: સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી
દરરોજ 1 કલાકના 9 અલગ-અલગ સ્લોટ
ભક્તો માટે યજ્ઞમાં જોડાવા વિશેષ કાઉન્ટરની વ્યવસ્થા
₹51 ન્યોછાવર કરી યજ્ઞમાં યજમાન બનવાની તક
ભક્તોને યજ્ઞ માટે ધોતી ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે
આ મહાયજ્ઞ સાથે ગીર સોમનાથ જિલ્લાના ગૌપાલકોને જોડવામાં આવી રહ્યા છે. ગૌપાલકો દ્વારા ગીર ગાયના છાણાનું અનુદાન પણ કરવામાં આવી રહ્યું છે.
સોમનાથ મહાદેવના 30 દિવસ અલગ-અલગ શૃંગાર:
શ્રાવણ માસ દરમિયાન દરરોજ સોમનાથ મહાદેવને વિવિધ ધાર્મિક મહાત્મ્ય ધરાવતા શૃંગારથી અલંકૃત કરવામાં આવશે. તેમાં સવાલક્ષ બિલ્વપત્ર શૃંગાર, રુદ્રાક્ષ શૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ સહિતના વિશેષ શૃંગારનો સમાવેશ થાય છે.
શ્રાવણના પ્રથમ ત્રણ સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિશેષ સ્વાભિમાન શૃંગાર પણ કરવામાં આવશે.
લાખો યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થા:
દર વર્ષે શ્રાવણ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રિકો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા માઇક્રો મેનેજમેન્ટ સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
યાત્રિકો માટે મુખ્ય સુવિધાઓ:
વધારાના સ્ટાફની નિયુક્તિ
વધુ પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા
આર.ઓ. પ્યુરિફાઇડ પીવાના પાણીના પોઇન્ટ
વધારાની ક્લોકરૂમ અને જુતાઘરની સુવિધા
સ્વાગત કક્ષથી સતત માર્ગદર્શન
નિઃશુલ્ક ભોજનાલયની ક્ષમતા વધારવામાં આવી
પોલીસ અને સુરક્ષા કર્મચારીઓનો વધારાનો બંદોબસ્ત
સોમવાર અને તહેવારોના દિવસોમાં શ્રી સોમનાથ મંદિર સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે.
વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધા:
વૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ યાત્રિકો માટે પાર્કિંગથી મંદિર સુધી ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી **નિઃશુલ્ક ટોય ટ્રેન**ની વ્યવસ્થા કરવામાં આવશે. વ્હીલચેર, ગોલ્ફ કાર્ટમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક ટિકિટ તેમજ જરૂરિયાતમંદ યાત્રિકો માટે સહાયકની વ્યવસ્થા રહેશે.
વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
‘સોમનાથની પાલખીયાત્રા’માં ભક્તોને મળશે વિશેષ અવસર:
શ્રાવણના ચાર સોમવાર ઉપરાંત આ વર્ષે પ્રથમ વખત શ્રાવણ પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ સોમનાથ મહાદેવની પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવશે. હજારો શિવભક્તો પાલખીયાત્રામાં જોડાઈને ભક્તિનો અનુભવ કરશે.
ઘરે બેઠા ઓનલાઈન પૂજા અને દર્શન:
ભક્તો Somnath.org મારફતે સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા, મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, શૃંગાર પૂજા, બિલ્વ પૂજા અને સવાલક્ષ બિલ્વ પૂજા સહિતની વિવિધ પૂજાઓ ઓનલાઈન નોંધાવી શકશે.
સોમનાથ ન પહોંચી શકતા ભક્તો માટે ઝૂમ એપ દ્વારા ઓનલાઈન સંકલ્પ કરાવી પૂજા કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના અતિથિ ભવનોમાં રૂમનું ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે.
શ્રાવણ દરમિયાન સોશિયલ મીડિયા મારફતે ભક્તો સોમનાથ મહાદેવના દર્શન અને આરતીનો ઓનલાઈન લાભ લઈ શકશે.
‘વંદે સોમનાથ કલા મહોત્સવ’નું પણ આયોજન:
શ્રાવણના દરેક સોમવારે સોમનાથ મહાદેવ સમક્ષ રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ કલાકારો દ્વારા નૃત્ય અને સંગીતની કલા આરાધના કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રાફિક, પાર્કિંગ અને સ્વચ્છતા માટે પણ આયોજન:
શ્રાવણ દરમિયાન ગુરુકુળ શંખ સર્કલથી શ્રી રામ મંદિર સુધીનો માર્ગ એકમાર્ગીય રહેશે. યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર સહિત પાર્કિંગ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે.
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલિકા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે રાત્રિ સફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ ઉપરાંત સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં ફાયર સેફ્ટી, ફર્સ્ટ એડ, પોલીસ બંદોબસ્ત અને SRP જવાનોની તૈનાતી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને નગર સેવા સદનના સહયોગથી શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને શાંતિપૂર્ણ દર્શન મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી સોમનાથમાં ‘હર હર ભોલે’ અને ‘જય સોમનાથ’ના નાદ સાથે શ્રાવણ શિવ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે.




