Somnath Shravan Mahotsav 2026: 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ


Somnath Shravan Mahotsav 2026: 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ


Somnath Shravan Mahotsav 2026: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026’ની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ છે. સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્તોના કલ્યાણ અને વિશ્વ શાંતિની ભાવના સાથે 30 દિવસ સુધી ચાલનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે.
મહાયજ્ઞના શુભારંભ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, ટ્રસ્ટી જે.ડી. પરમાર, સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે યજ્ઞવિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોમનાથ મહાદેવને વિશ્વ કલ્યાણ તેમજ ભક્તોની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
30 દિવસ સુધી ગુંજશે મહામૃત્યુંજય મંત્રનો નાદ:
સળંગ 30 દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં મંદિર પરિસરમાં 51 વેદીઓ સાથે મહામૃત્યુંજય મંત્રના જાપ અને આહુતિની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞના મંત્રોચ્ચારથી સમગ્ર સોમનાથ મંદિર પરિસર ભક્તિમય અને શિવમય બન્યું છે.
દરરોજ હજારો ભક્તો લઈ શકશે યજ્ઞનો લાભ:
શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી સોમનાથ આવતા શિવભક્તો પણ મહાયજ્ઞમાં સહભાગી થઈ શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞમાં આહુતિ આપવા માટે દરરોજ 9 સ્લોટ રાખવામાં આવ્યા છે. જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી શકશે.
સોમનાથમાં ભક્તોની ભારે ભીડ:
શ્રાવણ માસના પ્રારંભે સોમનાથ મહાદેવ મંદિરમાં અભિષેક, પૂજા-અર્ચના, ધ્વજારોહણ અને પાક પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહાદેવના દર્શન અને શ્રાવણ માસના ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો સોમનાથ પહોંચ્યા છે.
યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થા:
ભક્તોને સરળતાથી દર્શન મળી રહે અને મંદિર પરિસરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પાર્કિંગથી મંદિર સુધી યાત્રિકોની સુવિધા માટે ટ્રેન પ્રકારની ગાડી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત ઓનલાઇન માત્ર રૂ.21માં બિલ્વપૂજા માટે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ ભક્તોએ ઓનલાઇન બિલ્વપૂજામાં ભાગ લીધો છે.
મુખ્ય મુદ્દા:
સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ
30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ શરૂ
મંદિર પરિસરમાં 51 વેદી સાથે વિશેષ આયોજન
દરરોજ 9 સ્લોટમાં ભક્તો આપી શકશે યજ્ઞમાં આહુતિ
મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત વિવિધ રાજ્યોમાંથી ભક્તો પહોંચ્યા
દર્શન માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા
પાર્કિંગથી મંદિર સુધી ટ્રેન પ્રકારની ગાડીની સુવિધા
ઓનલાઇન રૂ.21માં બિલ્વપૂજામાં દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા
સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન તમામ શિવભક્તોને સોમનાથ તીર્થધામની મુલાકાત લઈ મહાદેવના દર્શન કરવાની સાથે 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.




