સોમનાથમાં રાજ્યનું મોડલ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન બનશે, એડીજીપી ગગનદીપ ગંભીરે કર્યું સ્થળ નિરીક્ષણ


સોમનાથમાં રાજ્યનું મોડલ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન બનશે, એડીજીપી ગગનદીપ ગંભીરે કર્યું સ્થળ નિરીક્ષણ


વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકોને વધુ સુરક્ષિત, સુવિધાસભર અને નાગરિકલક્ષી પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોડલ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાની દિશામાં કામગીરી તેજ બની છે. આ અનુસંધાને રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ગગનદીપ ગંભીરે સોમનાથ મંદિર અને પ્રસ્તાવિત ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ તથા સમીક્ષા કરી હતી.
સોમનાથ મંદિર દેશના આઇકોનિક અને બેસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઓળખ મેળવ્યા બાદ અહીં વિવિધ વિકાસકાર્યો હાથ ધરાયા છે. તે જ કડીમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને વધુ અસરકારક પોલીસ સેવા પૂરી પાડવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. આ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પ્રવાસી મિત્ર અભિગમ સાથે કાર્ય કરશે, યાત્રિકોને જરૂરી માર્ગદર્શન, માહિતી અને સહાયતા ઉપલબ્ધ કરાવશે તેમજ સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.
વિશેષતા એ રહેશે કે અહીં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે કોર્પોરેટ ધોરણનો વિશિષ્ટ યુનિફોર્મ પણ નક્કી કરવામાં આવશે, જે ટુરિસ્ટ પોલીસની અલગ ઓળખ ઉભી કરશે. રાજ્યમાં આવા ત્રણથી ચાર મોડલ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાની યોજના છે, જેમાં સોમનાથ, દ્વારકા અને અંબાજીનો સમાવેશ થાય છે.
પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશન ખાતે ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ એડીજીપીનું સ્વાગત કર્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એડીજીપીએ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરી કામગીરી અંગે માહિતી મેળવી હતી. આગામી સમયમાં સોમનાથને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિશેષ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન મળતાં યાત્રિકોની સુરક્ષા વધુ મજબૂત બનશે અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ મળશે.




