Get News Alerts

Never miss breaking news updates.

IPL પ્લેઓફમાં શુભમન ગિલનો ઐતિહાસિક શતક

IPL 2026ના બીજા ક્વોલિફાયર મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ જીતના હીરો કેપ્ટન શુભમન ગિલ રહ્યા, જેમણે શાનદાર શતકીય ઇનિંગ્સ રમીને IPL ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 May 2026 10:59 AM IST
IPL પ્લેઓફમાં શુભમન ગિલનો ઐતિહાસિક શતકIPL પ્લેઓફમાં શુભમન ગિલનો ઐતિહાસિક શતક

શુભમન ગિલે રચ્યો નવો ઇતિહાસ

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે 53 બોલમાં 104 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો. આ સાથે ગિલ IPL પ્લેઓફમાં શતક ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યા છે.

ગિલ-સુદર્શનની 167 રનની ભાગીદારી

215 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને ગિલ અને સાઈ સુદર્શને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 12.5 ઓવરમાં 167 રનની વિશાળ ભાગીદારી નોંધાવી રાજસ્થાનની જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

સાઈ સુદર્શનની ધમાકેદાર અડધી સદી

સાઈ સુદર્શને 32 બોલમાં 58 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. તેમણે ગિલ સાથે મળીને ટીમને જીતના માર્ગ પર દોરી હતી.

અંતિમ ઓવરોમાં તેવતિયાએ અપાવી જીત

વોશિંગ્ટન સુન્દરે 16 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે રાહુલ તેવતિયા 9 બોલમાં 17 રન બનાવી અણનમ રહ્યા હતા. ગુજરાતે 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

વૈભવ સૂર્યવંશીની શાનદાર 96 રનની ઇનિંગ્સ

તે પહેલાં બેટિંગ કરતાં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 214 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 47 બોલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

જાડેજા અને ફેરેરાની ઝડપી બેટિંગ

રવિન્દ્ર જાડેજાએ 35 બોલમાં અણનમ 45 રન બનાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવરોમાં ડોનોવન ફેરેરાએ માત્ર 11 બોલમાં અણનમ 38 રનની તાબડતોબ ઇનિંગ્સ રમી રાજસ્થાનને 214 રન સુધી પહોંચાડ્યું હતું.

રબાડા-હોલ્ડરની અસરકારક બોલિંગ

ગુજરાત તરફથી કાગિસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી રાજસ્થાનની બેટિંગ લાઇનઅપ પર અંકુશ જમાવ્યો હતો.

હવે ફાઇનલમાં RCB સામે ટક્કર

આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે IPL ઇતિહાસમાં ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ખિતાબી જંગ રમાશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.