શામળાજી નજીક નવાગામ પાસે દારૂથી ભરેલી કાર પલ્ટી, હાઇવે પર બોટલો વેરાઈ


શામળાજી નજીક નવાગામ પાસે દારૂથી ભરેલી કાર પલ્ટી, હાઇવે પર બોટલો વેરાઈ


શામળાજી નજીક નવાગામ પાસે રવિવારે વહેલી સવારે દારૂથી ભરેલી એક કાર અકસ્માતનો ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, દારૂનો જથ્થો લઈ જઈ રહેલી કારના ચાલક બુટલેગરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પૂરઝડપે ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જઈ પલ્ટી મારી હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ભરેલી દારૂની બોટલો હાઇવે પર ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે માર્ગ પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. સ્થાનિક લોકો અને પસાર થતા વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી એસ.એસ. માલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળને કોર્ડન કરી ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો તેમજ હાઇવે પર વેરાયેલી દારૂની બોટલો અને કારમાં રહેલો જથ્થો કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ વધુ ઝડપ અને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવો હોવાનું સામે આવ્યું છે. જોકે કારમાં કેટલા પ્રમાણમાં દારૂનો જથ્થો હતો, તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
અકસ્માતમાં ચાલકને ઇજા પહોંચી છે કે નહીં તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. પોલીસે કારના માલિક અને તેમાં સંડોવાયેલા લોકો અંગે માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી સાથે દારૂની હેરાફેરીના એંગલથી પણ તપાસ ચાલી રહી છે.




