Saputara: મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનો ધસારો, પાર્કિંગના અભાવે હાલાકી

Saputara: ડાંગના સાપુતારામાં ચાલી રહેલા મોનસૂન ફેસ્ટિવલને લઈને શનિ-રવિની રજામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચતા શહેરમાં ચહલપહલ વધી હતી. પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે વિવિધ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Rahul Desai
Rahul Desai
Saputara: મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનો ધસારો, પાર્કિંગના અભાવે હાલાકીSaputara: મોનસૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓનો ધસારો, પાર્કિંગના અભાવે હાલાકી

Saputara: ડાંગના સાપુતારામાં ચાલી રહેલા મોનસૂન ફેસ્ટિવલને લઈને શનિ-રવિની રજામાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચતા શહેરમાં ચહલપહલ વધી હતી. પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે વિવિધ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુખ્ય પાર્કિંગમાં જ ફેસ્ટિવલનો ડોમ:

સાપુતારાના મુખ્ય પાર્કિંગ વિસ્તારમાં મોનસૂન ફેસ્ટિવલનો ડોમ ઉભો કરવામાં આવતા વાહનો પાર્ક કરવા માટેની જગ્યા ઘટી ગઈ છે. પરિણામે મોટી સંખ્યામાં આવતા ખાનગી વાહનો અને બસોના પાર્કિંગની સમસ્યા ઊભી થઈ છે.

હેલિપેડ પર બસો પાર્ક કરવાની ફરજ: 

પાર્કિંગની અછતને કારણે ખાનગી બસોને લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા હેલિપેડ પર પાર્ક કરવાની ફરજ પડી રહી છે. સામાન્ય દિવસોમાં જ્યાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે, તે હેલિપેડનો ઉપયોગ હાલ બસોના પાર્કિંગ માટે કરવામાં આવી રહ્યો છે.

ફુટપાથ પર દબાણથી પ્રવાસીઓને મુશ્કેલી: 

મુખ્ય માર્ગો અને ફુટપાથ પર લારી-ગલ્લાના દબાણને કારણે પગપાળા ચાલતા પ્રવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસીઓની સંખ્યા વધતા ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે.

સ્થાનિક કલાકારોને તક ન મળ્યાની ફરિયાદ: 

માત્ર પાર્કિંગ જ નહીં, પરંતુ મોનસૂન ફેસ્ટિવલના સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને પણ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક કલાકારોને સ્ટેજ પર પૂરતી તક ન મળતી હોવાના આક્ષેપો વચ્ચે ડીજેના મનોરંજનને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિકો અને પ્રવાસીઓનું કહેવું છે કે ફેસ્ટિવલ દરમિયાન સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવાની સાથે પૂરતી તક મળવી જોઈએ.

તંત્ર સામે બે મોટા પડકાર: 

સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે તંત્ર સામે હવે મુખ્યત્વે બે પડકારો છે. પૂરતી પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવી તથા સ્થાનિક કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ આપવું.

મોનસૂન ફેસ્ટિવલની ભવ્યતા જળવાઈ રહે અને પ્રવાસીઓને કોઈ હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક પાર્કિંગની વ્યવસ્થા તથા ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે તંત્ર આ સમસ્યાઓના ઉકેલ માટે ક્યારે અને કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.