સાપુતારામાં 24 કલાકમાં બીજીવાર ધરતી ધ્રૂજી, 2.9ની તીવ્રતાનો આંચકો



સાપુતારામાં 24 કલાકમાં બીજીવાર ધરતી ધ્રૂજી, 2.9ની તીવ્રતાનો આંચકો



ડાંગના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા અને મહારાષ્ટ્રની સરહદ નજીકના વિસ્તારમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે 5:33 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો નિંદ્રાધીન હતા ત્યારે અચાનક ધરતી ધ્રૂજતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. કેટલાક લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ સાપુતારાથી આશરે 14 કિલોમીટર દૂર મહારાષ્ટ્રની સરહદ તરફ નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પણ 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એટલે કે, 24 કલાકની અંદર બીજીવાર ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ચિંતા વધી છે.
સાપુતારા અને ડાંગના સરહદી વિસ્તારોમાં સતત બે દિવસથી ભૂકંપની હલચલ અનુભવાતા સ્થાનિક રહીશો ઉપરાંત વેપારીઓ અને પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર આવતા આંચકાને પગલે લોકોમાં મોટા ભૂકંપની આશંકાને લઈને પણ દહેશત જોવા મળી રહી છે.
જોકે, અત્યાર સુધીના અહેવાલ પ્રમાણે ભૂકંપના આંચકાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.





