સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય કળશ યાત્રા કર્ણાવતી પહોંચી


સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય કળશ યાત્રા કર્ણાવતી પહોંચી


અમદાવાદ: સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે દેશવ્યાપી ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત કાશી (વારાણસી)થી કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. દેશના વિવિધ રાજ્યોમાં સંત રવિદાસજીના સમાનતા, માનવતા અને સમાજ કલ્યાણના સંદેશને પહોંચાડવાના હેતુથી કળશ યાત્રા યોજાઈ રહી છે.
ગુજરાતમાં આ કળશ યાત્રા પાટણથી નીકળી કર્ણાવતી (અમદાવાદ) પહોંચી હતી. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે સંત રવિદાસજીના વિચારોને જન-જન સુધી પહોંચાડવા માટે આ યાત્રા મહત્વપૂર્ણ છે અને તેમના દર્શન તથા સંદેશ સમાજને એકતા અને સમરસતા તરફ પ્રેરિત કરે છે.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે છેલ્લા 10થી 12 વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સંત રવિદાસજી અને બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર જેવા મહાનુભાવોના વિચારોને વધુ વ્યાપક રીતે ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આયોજન માટે આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
કળશ યાત્રા કર્ણાવતીમાં રથયાત્રા સ્થળે પહોંચ્યા બાદ વિશ્રામ કરશે અને ત્યારબાદ આગામી રાજ્ય તરફ પ્રસ્થાન કરશે.




