Get News Alerts

Never miss breaking news updates.

આખરે ખુલશે નવનિર્મિત સાંઢીયા પુલ, રાજકોટ-જામનગર માર્ગના વાહનચાલકોને મળશે મોટી રાહત

રાજકોટના મેયર મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓએ બ્રિજનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, બપોર સુધીમાં પુલના લોકાર્પણ અને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 11 Jun 2026 12:33 PM IST
આખરે ખુલશે નવનિર્મિત સાંઢીયા પુલ, રાજકોટ-જામનગર માર્ગના વાહનચાલકોને મળશે મોટી રાહતઆખરે ખુલશે નવનિર્મિત સાંઢીયા પુલ, રાજકોટ-જામનગર માર્ગના વાહનચાલકોને મળશે મોટી રાહત

રાજકોટ: છેલ્લા બે વર્ષથી રાજકોટ અને જામનગર વચ્ચે અવરજવર કરતા વાહનચાલકો જે પુલના ખુલવાની રાહ જોઈ રહ્યા હતા, તે નવનિર્મિત સાંઢીયા પુલ હવે ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે. અંદાજે રૂ. 74 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ બ્રિજનું કામ પૂર્ણતાના આરે પહોંચી ગયું છે અને શનિવાર સુધીમાં તેને ખુલ્લો મુકવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તાજેતરમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓએ બ્રિજનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, બપોર સુધીમાં પુલના લોકાર્પણ અને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગત 29 મે, 2026ના રોજ મેયર સહિતના પદાધિકારીઓએ પણ પુલની મુલાકાત લીધી હતી. તે દરમિયાન નવનિર્મિત બ્રિજમાં કેટલીક તકનિકી અને કામગીરી સંબંધિત ત્રુટીઓ સામે આવી હતી. આ મુદ્દે મેયર અને પદાધિકારીઓએ સંબંધિત અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ખામીઓ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી.

સાંઢીયા પુલના કામને કારણે છેલ્લા બે વર્ષથી રાજકોટ શહેર તેમજ જામનગર તરફથી આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. બ્રિજ બંધ હોવાથી વાહનોને ગીચ વિસ્તારોમાંથી ડાયવર્ઝન આપવામાં આવતું હતું, જેના કારણે રોજબરોજ લાંબા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાતા હતા અને લોકોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડતું હતું.

હવે પુલ શરૂ થતાં રાજકોટ-જામનગર વચ્ચેની અવરજવર વધુ સરળ, ઝડપી અને સુગમ બનશે. ખાસ કરીને રોજિંદા મુસાફરો, વેપારીઓ અને ભારે વાહનચાલકોને મોટી રાહત મળશે. શહેરના ટ્રાફિકના ભારણમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શહેરીજનો અને વાહનચાલકોમાં પણ પુલના પ્રારંભને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે સૌની નજર તંત્ર દ્વારા થનારી સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.