સાણંદમાં કપડાંની દુકાનમાંથી MD ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા



સાણંદમાં કપડાંની દુકાનમાંથી MD ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા



સાણંદઃ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના નાળાની ભાગોળ વિસ્તારમાં આવેલી ‘બાબા ફેશન’ નામની કપડાંની દુકાનમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પોલીસને બાતમી મળી હતી કે, દુકાનનો માલિક ધવલ ઉર્ફે લવલી દરજી કપડાં વેચવાની આડમાં પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સનું વેચાણ કરતો હતો. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં આરોપી પાસેથી 21.48 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત અંદાજે રૂ. 2.14 લાખ થાય છે. આ ઉપરાંત પોલીસે મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 2,44,800નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ડ્રગ્સ નેટવર્કના છેડા અન્ય શહેરો અને રાજ્યો સુધી વિસ્તરેલા છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી ધવલ સિવાય ફિરોઝ ઉર્ફે મુસ્કાન પઠાણ (ઉદયપુર, રાજસ્થાન), વિકીકુમાર ઠાકોર (ડીસા) અને જય પટેલ (બાપુનગર, અમદાવાદ) સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રગ્સનું સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.




