સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની હરિત પહેલ, ઈકો પાર્કમાં 30 હજાર રોપાઓનું મેગા વૃક્ષારોપણ કર્યું


સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની હરિત પહેલ, ઈકો પાર્કમાં 30 હજાર રોપાઓનું મેગા વૃક્ષારોપણ કર્યું


સાણંદ: પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (SIA) દ્વારા ઈકો પાર્ક, GIDC સાણંદ ખાતે 30,000 રોપાઓના મેગા વૃક્ષારોપણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન આત્મન ફાઉન્ડેશન ફોર ઈનોવેશન્સના સહયોગથી તેમજ ઇન્ગરસોલ રેન્ડ (ઈન્ડિયા) લિમિટેડના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) કાર્યક્રમ હેઠળ યોજાયું હતું.

કાર્યક્રમની શરૂઆત SIAના CSR કમિટીના ચેરમેન ચેતન ઠક્કરના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે સૌની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ SIAના પ્રમુખ અજિત શાહ, સચિવ શરદભાઈ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ચેરમેન સંજય મિશ્રા દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ચેરમેન આર.બી. બારડે ઇન્ગરસોલ રેન્ડ (ઈન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ ખંડુજાને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ ગ્રીન એવોર્ડ અર્પણ કર્યો હતો. ઉપરાંત બીના શાહ દ્વારા GPCBના રિજનલ ઓફિસર ટી.એલ. પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુનીલ ખંડુજા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના પ્રમુખ રાજેશ ગાંધી, GPCBના ચેરમેન આર.બી. બારડ તથા GTUના કુલપતિ ડૉ. રાજુલબેન ગજરે સંબોધન કર્યું હતું. ઈકો પાર્કના વિઝન પર આધારિત એક લઘુ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે 'વંદે માતરમ'ના ગાન સાથે મહાનુભાવોએ પ્રતિકાત્મક વૃક્ષારોપણ કર્યું હતું.
વક્તાઓએ પોતાના સંબોધનમાં ઉદ્યોગ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને સાથે લઈને આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આજનું વૃક્ષારોપણ અભિયાન આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
આ અભિયાનમાં ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, CSR ક્ષેત્રના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમે ટકાઉ વિકાસ અને હરિત ગુજરાતના નિર્માણ માટે ઉદ્યોગ જગતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.




