સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી! મુલાકાતીઓની હરકતનો વીડિયો વાયરલ

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક મુલાકાતીઓ દ્વારા વાઘને હેરાન કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને લઈને વન્યજીવપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
Rahul Desai
Rahul Desai
સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી! મુલાકાતીઓની હરકતનો વીડિયો વાયરલસક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી! મુલાકાતીઓની હરકતનો વીડિયો વાયરલ

જૂનાગઢ: જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક મુલાકાતીઓની બેજવાબદારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો વાઘના પાંજરામાં દુપટ્ટા અને અન્ય કપડાં ફેંકીને તેને હેરાન કરતા જોવા મળે છે.

વીડિયોમાં વાઘ કપડું અંદર ખેંચી લે છે, તેમ છતાં કેટલાક લોકો પોતાની હરકતો ચાલુ રાખે છે. આ દરમિયાન પાછળથી "પૈસા વસૂલ થઈ ગયા" જેવા શબ્દો પણ સંભળાતા હોવાનું વીડિયોમાં જોવા મળે છે.

વન્યજીવો સાથે આ પ્રકારનું વર્તન ગંભીર ચિંતાનો વિષય બન્યું છે. વીડિયોમાં મુલાકાતીઓને રોકવા માટે કોઈ સુરક્ષા કર્મચારી નજરે પડતો નથી, જેના કારણે પ્રાણી સંગ્રહાલયની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે.

આ વીડિયો વાયરલ થયા બાદ વન્યજીવપ્રેમીઓ અને સ્થાનિક લોકો દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓ માટેના નિયમોનું કડક પાલન કરાવવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે.