IRCTC અને RPFનું સંયુક્ત ચેકિંગ અભિયાન, પાણી-છાશનો જથ્થો જપ્ત


IRCTC અને RPFનું સંયુક્ત ચેકિંગ અભિયાન, પાણી-છાશનો જથ્થો જપ્ત


અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન તેમજ ટ્રેનોમાં અનધિકૃત રીતે ખાદ્યપદાર્થો અને પીણાંનું વેચાણ કરતા વેન્ડરો સામે IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદ અને RPF સાબરમતી દ્વારા સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન સાબરમતી રેલવે સ્ટેશન ઉપરાંત સાબરમતી–જમ્મુ તાવી એક્સપ્રેસ અને યોગા એક્સપ્રેસ ટ્રેનમાં પણ તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કુલ 5 અનધિકૃત વેન્ડરો પાસેથી પાણી અને છાશનો જથ્થો મળી આવ્યો હતો. અનધિકૃત રીતે વેચાણ કરવામાં આવતાં આ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.
પકડાયેલા વેન્ડરો સામે રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો હેતુ રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં મુસાફરોને ગુણવત્તાયુક્ત તથા અધિકૃત સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હોવાનું જણાવાયું છે.
IRCTC અમદાવાદના પ્રેસ પ્રવક્તા જિતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન પરિસર તેમજ ટ્રેનોમાં અનધિકૃત રીતે ખાદ્યપદાર્થો અને પીણાંનું વેચાણ કરતા વેન્ડરો સામે ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરોને યોગ્ય અને અધિકૃત સેવાઓ મળી રહે તે માટે આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
ચેકિંગ દરમિયાન પકડાયેલા વેન્ડરોમાં દીપ કુમાર અને આકાશ (જિલ્લો ભિંડ), અરવિંદ કુમાર (કુબેરપુર, અમદાવાદ), અશોક કુમાર (અમદાવાદ) અને અભિનેશ સિંહ (ઇટાવા)નો સમાવેશ થાય છે.
સંયુક્ત ચેકિંગ અભિયાનમાં IRCTC તરફથી જિતેન્દ્ર કુમાર જયંત, કપિલ શર્મા, યતેન્દ્ર સિંહ, સુનીલ પાંડિયર અને કીર્તિ ચાવડા સહિત RPFના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.




