રાજકોટમાં 21 વર્ષીય યુવકનું તળાવમાંથી મૃતદેહ મળ્યો, પરિવારના હત્યાના ગંભીર આક્ષેપ



રાજકોટમાં 21 વર્ષીય યુવકનું તળાવમાંથી મૃતદેહ મળ્યો, પરિવારના હત્યાના ગંભીર આક્ષેપ



રાજકોટ: રાજકોટના પરા પીપળીયા ગામની સીમ નજીક આવેલ તળાવમાંથી આજ સવારના સમયે 21 વર્ષીય યુવક જય ખાંભલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને યુવકના પરિજનો દ્વારા મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં તેમણે હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
બે દિવસથી લાપતા હતો યુવક
મૃતક યુવક જય ખાંભલા છેલ્લા બે દિવસથી લાપતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. પરિવારના જણાવ્યા અનુસાર, સતત સંપર્ક કરવાનો પ્રયાસ છતાં તેની કોઈ માહિતી મળી નહોતી. ગઈકાલે તેના એક મિત્ર દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી કે જય તળાવમાં ડૂબી ગયો છે.
ઘટનાસ્થળે પોલીસ દોડી આવી
માહિતી મળતાં જ રાજકોટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાત્રિનો સમય હોવાથી તળાવમાંથી મૃતદેહ બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. ત્યારબાદ આજે સવારે મૃતદેહ બહાર કાઢવામાં આવતા પરિવારમાં શોકનું માહોલ છવાઈ ગયો હતો.
પરિવારના ગંભીર આક્ષેપો
પરિજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, જય ખાંભલાનું મોત અકસ્માત નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા છે. પરિવારનું કહેવું છે કે કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્ર જૈનિશ મહાજન, ભાવિક પટેલ, અજય મહેતા ઉર્ફે મગરો અને ઋત્વિક પરમાર સહિતના શખ્સોએ ભેગા મળી આ ઘટના ઘટાડી હોવાની આશંકા છે.
પરિવારના જણાવ્યા મુજબ, આ તમામ લોકો નશાની આદતમાં સંડોવાયેલા છે અને અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે.
નશાની આદત અને જૂની ઓળખાણનો મુદ્દો
પરિવારના દાવા અનુસાર, જયના પિતાના અવસાન બાદ મળેલા વીમા રકમને લઈને આ લોકો ફરીથી તેને નશાની આદત તરફ ખેંચી રહ્યા હતા. બે દિવસ અગાઉ પણ નશાની હાલતમાં ઝઘડો થયો હોવાનું પરિવારનું કહેવું છે, ત્યારબાદ જ આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસ તપાસ શરૂ
આ ગંભીર મામલાને ધ્યાનમાં લઈને રાજકોટ પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે કે યુવકનું મોત હત્યા, આત્મહત્યા કે અકસ્માત છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટતા થશે.




