રાજકોટમાં માનવતાને શરમાવે તેવી ઘટના! ટ્યુશનમાં 4 વર્ષના બાળકને ગરમ તાવીથાથી ડામ આપ્યાનો આરોપ



ફાઈલ ફોટો
રાજકોટમાં માનવતાને શરમાવે તેવી ઘટના! ટ્યુશનમાં 4 વર્ષના બાળકને ગરમ તાવીથાથી ડામ આપ્યાનો આરોપ



ફાઈલ ફોટો
રાજકોટ: શહેરના પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર વર્ષ અને છ મહિનાના બાળકને ટ્યુશન દરમિયાન ગરમ તાવીથાથી ડાબા પગના સાથળ પર ડામ આપ્યાનો આરોપ ટ્યુશન શિક્ષિકા સામે કરવામાં આવ્યો છે. આ મામલે બાળકના કાકા વિશાલ યાદવની ફરિયાદના આધારે પોલીસે ટ્યુશન શિક્ષિકા નિરાલી અશ્વિન વિરુદ્ધ **ભારતીય ન્યાય સંહિતા (BNS)**ની કલમ 352 અને 118 સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વિશાલ યાદવનો ભત્રીજો (ઉંમર 4 વર્ષ 6 મહિના) છેલ્લા પાંચથી છ મહિનાથી રેલનગર સ્થિત શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશિપમાં રહેતી ટ્યુશન શિક્ષિકા પાસે અભ્યાસ કરવા જતો હતો.
આરોપ છે કે ટ્યુશન દરમિયાન બાળક લખતો ન હોવાથી શિક્ષિકાએ ગરમ કરેલા તાવીથાથી તેના ડાબા પગના સાથળ પર ડામ આપ્યો હતો. બાદમાં બાળકની માતા ગાયત્રી યાદવને આ અંગે જાણ થતાં તેમણે પરિવારજનોને માહિતી આપી હતી.
ઘટનાની જાણ થતાં બાળકના કાકા વિશાલ યાદવ શિક્ષિકાના ઘરે સ્પષ્ટતા માંગવા પહોંચ્યા હતા. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિક્ષિકાએ બાળક લખતો ન હોવાથી આવું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ તેમણે ઉશ્કેરાઈ અપશબ્દો બોલ્યા હતા અને "તમારે જે કરવું હોય તે કરી લો" કહી ધમકીભર્યો જવાબ આપ્યો હતો.
ઘટના બાદ બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.
સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પ્રધ્યુમનનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત અને અન્ય પાસાઓ સામે આવશે.




