રાજકોટમાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો



AI Image
રાજકોટમાં 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડ્યો



AI Image
રાજકોટ: રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગના તાજેતરના સર્વેમાં શિક્ષણ ક્ષેત્રે ચિંતાજનક અને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જિલ્લામાં 45 હજારથી વધુ બાળકો વિવિધ કારણોસર અધવચ્ચે અભ્યાસ છોડી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે.
ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને મેદાનમાં ઉતારી બાળકોને ફરીથી શાળામાં જોડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આ કામગીરી દરમિયાન 12,543 બાળકોના વાલીઓએ પોતાના બાળકોને ફરી અભ્યાસ માટે મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી હોવાનું સામે આવ્યું છે.
સર્વે મુજબ 8,087 બાળકો અન્ય સ્થળે સ્થળાંતર (માઇગ્રેટ) થયા હોવાનું જાણવા મળ્યું છે. આવા બાળકોના ટ્રેકિંગ માટે શિક્ષણ વિભાગ દ્વારા અલગથી કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ 2,685 બાળકો એવા છે કે જેઓ શાળા છોડ્યા બાદ હાલ મળી રહ્યા નથી, જેને લઈને પણ વિભાગ ચિંતિત બન્યો છે.
ધોરણવાર આંકડાઓ પર નજર કરીએ તો ધોરણ 10માં સૌથી વધુ 10,361 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો છે. જ્યારે ધોરણ 8માં 6,055 અને ધોરણ 9માં 3,816 વિદ્યાર્થીઓ શાળા છોડીને ગયા હોવાનું સામે આવ્યું છે.
જિલ્લામાં ધોરણ 1માં 2,071, ધોરણ 2માં 1,458, ધોરણ 3માં 1,795, ધોરણ 4માં 1,759, ધોરણ 5માં 1,782, ધોરણ 6માં 1,939 અને ધોરણ 7માં 1,932 વિદ્યાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હોવાનું સર્વેમાં નોંધાયું છે.
શિક્ષણ વિભાગ દ્વારા હાલ આવા તમામ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સાથે જ વાલીઓમાં જાગૃતિ લાવવા અને બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.




