Get News Alerts

Never miss breaking news updates.

લખનૌ અગ્નિકાંડ બાદ રાજકોટની રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં રિયાલિટી ચેક, ફાયર સેફ્ટીની વ્યવસ્થા સંતોષજનક મળી

લખનૌની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી ભયાનક આગમાં 15 જેટલા બાળકોના મોતની ઘટના બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના અનુસંધાનમાં રાજકોટની રામાણી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ ફાયર સેફ્ટી વ્યવસ્થાનો રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 Jun 2026 04:07 PM IST
લખનૌ અગ્નિકાંડ બાદ રાજકોટની રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં રિયાલિટી ચેક, ફાયર સેફ્ટીની વ્યવસ્થા સંતોષજનક મળીલખનૌ અગ્નિકાંડ બાદ રાજકોટની રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં રિયાલિટી ચેક, ફાયર સેફ્ટીની વ્યવસ્થા સંતોષજનક મળી

રાજકોટ રાજકોટ સ્થિત રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવેલા રિયાલિટી ચેક દરમિયાન ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું હતું. સંસ્થામાં અગ્નિશામક યંત્રો, ફાયર એલાર્મ સિસ્ટમ સહિતની સુરક્ષા વ્યવસ્થાઓ કાર્યરત હાલતમાં જોવા મળી હતી. ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિમાં ફાયર બ્રિગેડની ટીમ સરળતાથી રેસ્ક્યૂ કામગીરી કરી શકે તે માટે બિલ્ડિંગમાં પૂરતી જગ્યા સાથે મોટી બારીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે રામાણી ઇન્સ્ટિટ્યૂટના સંચાલક વિનોદભાઈએ જણાવ્યું હતું કે, સંસ્થાનું બાંધકામ સંપૂર્ણપણે રેરા (RERA)ના નિયમો અને સરકારની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું છે. સંસ્થા પાસે માન્ય ફાયર NOC પણ છે અને સુરક્ષા સંબંધિત તમામ સાધનોનું નિયમિત રિન્યૂઅલ કરવામાં આવે છે.

તેમણે રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તે ઘટના બાદ મહાનગરપાલિકા તંત્ર વધુ સતર્ક અને કડક બન્યું છે. જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓ સહિત તમામ સંચાલકો સુરક્ષા નિયમોના પાલન પ્રત્યે વધુ ગંભીર બન્યા છે. તેમણે અન્ય શૈક્ષણિક સંસ્થાઓને પણ ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી.

સંસ્થાના મુખ્ય ગેટ નજીક જોવા મળેલા ગેસ સિલિન્ડર અંગે સ્પષ્ટતા કરતા વિનોદભાઈએ જણાવ્યું કે, આ સિલિન્ડર બાજુમાં આવેલી રેસ્ટોરન્ટના છે. હાલ ગેસ પાઇપલાઇનનું જોડાણ બાકી હોવાથી તેને અસ્થાયી ધોરણે ત્યાં રાખવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં તેને હટાવી લેવામાં આવશે.

લખનૌ જેવી દુર્ઘટનાઓ બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની સમયાંતરે ચકાસણી અને નિયમોનું કડક પાલન જરૂરી હોવાનું આ રિયાલિટી ચેક દરમિયાન સ્પષ્ટ બન્યું છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.