15 ઇંચ વરસાદમાં જ રાજકોટના રસ્તા બિસ્માર, રૈયા સ્માર્ટ સિટી તરફ જતો માર્ગ ખાડામાં ફેરવાયો


15 ઇંચ વરસાદમાં જ રાજકોટના રસ્તા બિસ્માર, રૈયા સ્માર્ટ સિટી તરફ જતો માર્ગ ખાડામાં ફેરવાયો


રાજકોટ રાજકોટ શહેરમાં સીઝન દરમિયાન હજુ સુધી માત્ર 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. ખાસ કરીને રૈયા ચોકડીથી રૈયા સ્માર્ટ સિટી વિસ્તાર તરફ જતો માર્ગ ખાડાઓથી ભરાઈ જતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
રૈયા વિસ્તારના રસ્તાઓ અંગે લોકોમાં રોષ
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રૈયા ગામને બે ચૂંટણી પહેલાં રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું હતું, છતાં આજ સુધી આ વિસ્તારમાં રોડ-રસ્તાની યોગ્ય સુવિધા ઉપલબ્ધ થઈ નથી. વરસાદ બાદ રસ્તાઓ પર મોટા ખાડા પડી જતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોર્પોરેટરોના વિસ્તારમાં સુવિધા, સામાન્ય લોકોના વિસ્તારમાં હાલાકીનો આક્ષેપ
સ્થાનિકોમાં એવો આક્ષેપ છે કે કોર્પોરેટરો રહેતા વિસ્તારોમાં નિયમિત સફાઈ કરવામાં આવે છે અને રસ્તાઓ પણ સારી સ્થિતિમાં જોવા મળે છે. જ્યારે સામાન્ય લોકો રહેતા વિસ્તારોમાં ન તો પૂરતી સફાઈ થાય છે અને ન તો રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં આવે છે.
કરોડોનો ખર્ચ છતાં રસ્તાઓની દયનીય સ્થિતિ
મહાનગરપાલિકા દર વર્ષે રોડ-રસ્તાના વિકાસ અને સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં નજીવા વરસાદમાં જ રસ્તાઓ બિસ્માર થઈ જતાં કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. હવે રૈયા વિસ્તારના રસ્તાઓનું સમારકામ મહાનગરપાલિકા ક્યારે કરશે તે સ્થાનિકો માટે મહત્વનો પ્રશ્ન બની ગયો છે.




