રાજકોટમાં પિઝા પ્રેમીઓ માટે ચેતવણી! જાણીતા પિઝા પાર્લરમાં આરોગ્ય વિભાગનો દરોડો



રાજકોટમાં પિઝા પ્રેમીઓ માટે ચેતવણી! જાણીતા પિઝા પાર્લરમાં આરોગ્ય વિભાગનો દરોડો



રાજકોટ: જો તમે પિઝા, પાસ્તા અને ફાસ્ટફૂડના શોખીન હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. રાજકોટના રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલી PAPA'S LOUIE'S PIZZA પાર્લરમાં આરોગ્ય વિભાગે દરોડો પાડી ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આરોગ્ય વિભાગની ટીમે તપાસ દરમિયાન લોકો આરોગી ન શકે તેવી અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પિઝા ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેવાતી અનેક વસ્તુઓ ખરાબ હાલતમાં મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
તપાસ દરમિયાન ફૂગ લાગેલા ગ્રીન ઓલિવ, અમેરિકન કોર્ન સહિતની અનેક ખાદ્ય વસ્તુઓ અખાદ્ય હાલતમાં મળી આવી હતી. એટલું જ નહીં, પિઝા, પાસ્તા અને નુડલ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક સામગ્રીની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ આવી અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગ, પેટના ચેપ, આંતરડાના રોગો તેમજ અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આરોગ્ય વિભાગે સ્થળ પરથી જરૂરી નમૂનાઓ એકત્ર કરીને વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ખાદ્ય સુરક્ષા ધોરણોના ભંગ બદલ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




