રાજકોટમાં પ્રેમસંબંધનો કરુણ અંત, લગ્નનું દબાણ કરતા 45 વર્ષીય મહિલાની હત્યા


રાજકોટમાં પ્રેમસંબંધનો કરુણ અંત, લગ્નનું દબાણ કરતા 45 વર્ષીય મહિલાની હત્યા


રાજકોટમાં પ્રેમસંબંધનો કરુણ અંત આવ્યો છે. 45 વર્ષીય મંજુબેન બારૈયાની હત્યાના કેસમાં પોલીસે 25 વર્ષીય પ્રેમી પ્રકાશ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને લગ્નને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
મળતી માહિતી મુજબ, મંજુબેન છેલ્લા ત્રણ વર્ષથી પતિથી અલગ રહી એકલવાયું જીવન જીવતા હતા. દરમિયાન પોતાના દીકરા જેટલી ઉંમરના 25 વર્ષીય પ્રકાશ સોલંકી સાથે તેમનો પ્રેમસંબંધ બંધાયો હતો. મંજુબેન પ્રકાશ સાથે લગ્ન કરવા માટે વારંવાર દબાણ કરતા હતા. જોકે, આરોપીના પરિવારે આ લગ્ન માટે સંમતિ આપી ન હતી. જેના કારણે બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, લગ્નના દબાણથી કંટાળેલા પ્રકાશે મંજુબેનની હત્યાનો કથિત પ્લાન બનાવ્યો હતો. તેણે મહિલાને જુનાગઢ લગ્ન કરવા જવાના બહાને ગોંડલ સ્ટેશન પર બોલાવી હતી. ત્યારબાદ મહિલાને રેલવે ટ્રેક પર લઈ ગયો હતો.
આ દરમિયાન ટ્રેન આવતી જોઈ આરોપીએ મહિલાને ધક્કો માર્યો હોવાનો પોલીસનો આરોપ છે. ટ્રેન સાથે અથડાતા મંજુબેનનું મોત નીપજ્યું હતું. ગુંદાળા ફાટક નજીક રેલવે ટ્રેક પરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી અને CCTV ફૂટેજના આધારે આરોપી પ્રકાશ સોલંકી સુધી પહોંચી તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




