રાજકોટમાં કરુણ અકસ્માત: કાર-એક્ટિવાની ટક્કરમાં મામા-ફઈના બે સગીર ભાઈઓનાં મોત

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામ નજીક મોડી સાંજે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક્ટિવા પર સવાર મામા-ફઈના બે સગીર ભાઈઓના કરુણ મોત થયા છે. બ્રેઝા કાર અને એક્ટિવા વચ્ચે થયેલી ટક્કરમાં ધોરણ 6 અને ધોરણ 10માં અભ્યાસ કરતા બંને વિદ્યાર્થીઓએ જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Rahul Desai
Rahul Desai
ફાઈલ ફોટોફાઈલ ફોટો

ફાઈલ ફોટો

રાજકોટ: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામ નજીક મોડી સાંજે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે સગીર ભાઈઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માત બ્રેઝા કાર અને એક્ટિવા વચ્ચે થયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગોંડલથી કોટડાસાંગાણી તરફ એક્ટિવા પર જઈ રહેલા હેમેન્દ્ર ઇન્દ્રજીતભાઈ પરમાર (ઉં. 12) અને દર્શિત રાજેશભાઈ ચૌહાણ (ઉં. 15) ખરેડા ગામ નજીક પહોંચ્યા ત્યારે તેમની એક્ટિવાની બ્રેઝા કાર સાથે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને સગીરોને જીવલેણ ઇજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હેમેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે દર્શિતના મૃતદેહને કોટડાસાંગાણી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

મૃતક હેમેન્દ્ર ધોરણ-6માં અભ્યાસ કરતો હતો, જ્યારે દર્શિત ધોરણ-10નો વિદ્યાર્થી હતો. બંને મામા-ફઈના દીકરા હોવાથી એક જ પરિવારની બે નાની ઉંમરની જિંદગીઓ એકસાથે છીનવાઈ જતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: અકસ્માત અંગેની માહિતી પ્રાથમિક વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે.