રાજકોટ નજીક ખેરડી ગામમાં પરિણિતાનું શંકાસ્પદ મોત, પિયર પક્ષે હત્યાનો આક્ષેપ કર્યો



રાજકોટ નજીક ખેરડી ગામમાં પરિણિતાનું શંકાસ્પદ મોત, પિયર પક્ષે હત્યાનો આક્ષેપ કર્યો



રાજકોટ : રાજકોટ નજીક આવેલા ખેરડી ગામમાં પરિણિતા કંચનબેન સવજીભાઈ ઝામોરના શંકાસ્પદ મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને પિયર પક્ષે આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેના કારણે તેઓએ મોત અંગે શંકા વ્યક્ત કરી છે.
મળતી માહિતી મુજબ કંચનબેન પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં તેમના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. પિયર પક્ષનો આક્ષેપ છે કે કંચનબેન અને તેમના પતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો. પરિવારનો દાવો છે કે પતિના અન્ય મહિલા સાથે સંબંધોને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.
પરિવારજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે તેઓ સ્થળ પર પહોંચે તે પહેલાં જ મૃતદેહને દોરડામાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો, જેના કારણે મહત્વના પુરાવા નાશ થયા હોવાની શંકા છે. ઉપરાંત મૃતકના શરીર પર ઈજાના નિશાન હોવાનું પણ પરિવાર દ્વારા જણાવાયું છે.
બીજી તરફ સાસરી પક્ષનું કહેવું છે કે કંચનબેને આત્મહત્યા કરી હતી. તેઓનો દાવો છે કે ઘટનાથી પહેલાં ત્રણ બાળકોને પાણીની ટાંકીમાં નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે સમયસર બચાવી લેવામાં આવ્યા હતા.
પરિવારજનોએ જણાવ્યું છે કે કંચનબેને અગાઉ પણ પતિના ત્રાસ અંગે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. હાલ પીડિત પરિવારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી સત્ય બહાર લાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.




