જંગલેશ્વર ડિમોલિશન કેસમાં RMCનો મોટો નિર્ણય: રૂ. 27 લાખના ખર્ચની દરખાસ્ત નામંજૂર



જંગલેશ્વર ડિમોલિશન કેસમાં RMCનો મોટો નિર્ણય: રૂ. 27 લાખના ખર્ચની દરખાસ્ત નામંજૂર



રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહી બાદ હવે તેના ખર્ચને લઈને રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બુધવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડિમોલિશન દરમિયાન થયેલા અંદાજે રૂ. 27 લાખના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાના જણાવ્યા મુજબ, બેઠકમાં રજૂ થયેલી ત્રણ મુખ્ય દરખાસ્તોમાંથી જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચની દરખાસ્તને ટેન્ડરની નિયત પ્રક્રિયાનું પાલન ન થવાના કારણે મંજૂરી આપવામાં આવી નહોતી.
જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશન કામગીરી દરમિયાન જેસીબી, પોકલેન, ટ્રેક્ટર, ડમ્પર, ભારે પોલીસ બંદોબસ્ત તેમજ માનવબળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરીનો ખર્ચ અંદાજે રૂ. 27.20 લાખ દર્શાવવામાં આવ્યો હતો. જોકે ખર્ચની સમીક્ષા દરમિયાન પ્રક્રિયાગત ખામીઓ સામે આવતાં દરખાસ્ત ફગાવી દેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ડિમોલિશન માટે કામ કરનાર એજન્સી દ્વારા રજૂ કરાયેલા ખર્ચના બિલોની આંતરિક તપાસ પણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક ખર્ચ વધારીને દર્શાવવામાં આવ્યા હોવાની શંકા ઊભી થતાં સ્ટેન્ડિંગ કમિટીએ કડક વલણ અપનાવ્યું છે. હાલ આ ખર્ચની કોઈપણ ચુકવણી એજન્સીને નહીં કરવામાં આવે તેવું પણ સ્પષ્ટ કરાયું છે.
રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, માત્ર આ કેસ જ નહીં પરંતુ હાલ અમલમાં રહેલા તમામ રેટ કોન્ટ્રાક્ટની પુનઃ સમીક્ષા કરવામાં આવશે. જ્યાં જરૂર જણાશે ત્યાં વર્તમાન રેટ કોન્ટ્રાક્ટ રદ કરીને નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી જાહેર નાણાંનો પારદર્શક અને નિયમબદ્ધ ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે.
મેયરે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ કાયદાકીય જોગવાઈઓ મુજબ કરવામાં આવેલી ચૂકવણી પરત મેળવી શકાતી નથી, પરંતુ આ કેસમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી હોવાથી સમગ્ર પ્રક્રિયાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
ડિમોલિશન કાર્યવાહી બાદ જંગલેશ્વર વિસ્તાર અનેક વિવાદોના કેન્દ્રમાં રહ્યો હતો. અસરગ્રસ્તોએ કાર્યવાહી સામે વાંધા ઉઠાવ્યા હતા, જ્યારે મહાનગરપાલિકાએ સમગ્ર કાર્યવાહી કાયદેસર હોવાનું જણાવ્યું હતું. હવે ડિમોલિશનના ખર્ચને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી જાહેર થયેલા રૂ. 27.20 લાખ ઉપરાંત પાણીના બિલના રૂ. 12.40 લાખ અને મંડપ સર્વિસના રૂ. 6.70 લાખના ખર્ચનો પણ ઉમેરો બાકી છે. આ તમામ ખર્ચ ઉમેરવામાં આવે તો ડિમોલિશનનો કુલ ખર્ચ અંદાજે રૂ. 46.31 લાખ સુધી પહોંચી શકે છે.




