રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનના 27 લાખના નાસ્તા બિલ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, કાજુકતરી બતાવી ઉઠાવ્યા સવાલ



રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનના 27 લાખના નાસ્તા બિલ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, કાજુકતરી બતાવી ઉઠાવ્યા સવાલ



રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના (RMC) જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન ખર્ચને લઈને રાજકારણ ગરમાયું છે. ડિમોલિશન કામગીરી દરમિયાન ખાણીપીણી પાછળ થયેલા આશરે 27 લાખ રૂપિયાના ખર્ચ સામે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે.
RMCના જનરલ બોર્ડની બેઠક પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ કાજુકતરી બતાવી ખાણીપીણીના ખર્ચ પર કટાક્ષ કર્યો અને મનપા તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ડિમોલિશન કામગીરી દરમિયાન 231 રૂપિયાની એક નાસ્તાની ડિશનો હિસાબ રજૂ કરવામાં આવ્યો છે, જે સામાન્ય ખર્ચ કરતાં ઘણો વધારે હોવાનું જણાય છે. આ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે આખરે ડિમોલિશન કામગીરી થઈ રહી હતી કે પછી કોઈ ભોજન સમારંભ યોજાયો હતો?
જંગલેશ્વર ડિમોલિશન ખર્ચમાં ખાણીપીણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલને અટકાવતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે.
કોંગ્રેસે સમગ્ર મામલે ગોટાળાની આશંકા વ્યક્ત કરી પારદર્શક તપાસની માંગ કરી છે. RMCના જનરલ બોર્ડ પહેલાં કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનથી શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.




