રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાણા પર પોલીસનો દરોડો, મેનેજર અને સંચાલકની ધરપકડ



રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાણા પર પોલીસનો દરોડો, મેનેજર અને સંચાલકની ધરપકડ



રાજકોટ: રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેશનના ત્રીજા માળે આવેલા ગોલ્ડ સ્પા ખાતે સ્પાની આડમાં ચાલી રહેલા કથિત કુટણખાણાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રવિવારે સાંજના સમયે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી સ્થળ પરથી દેહવ્યાપાર સંબંધિત પ્રવૃત્તિઓ ઝડપી પાડી હતી.
પોલીસે આ મામલે સંચાલક રવિ ખેરૈયા અને મેનેજર નરેશ રાણા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં નરેશ રાણા સ્પાના મેનેજર તરીકે અને રવિ ખેરૈયા સંચાલક તરીકે કામગીરી સંભાળતા હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન બહારથી ગ્રાહકોને બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હોવાનું ખુલ્યું છે. ગ્રાહક દીઠ આશરે ₹5,000 વસૂલવામાં આવતા હતા, જેમાંથી મહિલાઓને ₹1,000 ચૂકવવામાં આવતા હતા, જ્યારે સંચાલક અને મેનેજર દ્વારા મોટો હિસ્સો રાખવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
દરોડા દરમિયાન સ્થળ પરથી મુંબઈ, આસામ, નેપાળ, અમદાવાદ અને ઉત્તરાખંડ સહિતના વિસ્તારોની મહિલાઓ મળી આવી હતી. પોલીસે તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરી સંચાલક અને મેનેજરની ધરપકડ કરી છે.
આ ઉપરાંત સ્પા પરિસરમાંથી વિદેશી બિયરના ટીન પણ મળી આવતા નરેશ રાણા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગેંગરેપ કેસની તપાસ દરમિયાન પણ શહેરની કેટલીક હોટલોનો ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.




