રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: 500 કિલો ફૂગવાળી મલાઈ ઝડપાઈ



રાજકોટમાં ફૂડ વિભાગનો સપાટો: 500 કિલો ફૂગવાળી મલાઈ ઝડપાઈ



રાજકોટ રાજકોટમાં ફૂડ વિભાગે પનીરનું ઉત્પાદન અને વિતરણ કરતી ત્રણ મોટી પેઢીઓ પર ત્રાટકી વ્યાપક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવતાં તંત્રે તાત્કાલિક કડક કાર્યવાહી કરી હતી.
તપાસ દરમિયાન ફોર્ચ્યુન મિલ્ક, શ્યામ ડેરી અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સ ખાતે આશરે 500 કિલો ફૂગવાળી અને અખાદ્ય મલાઈ મળી આવી હતી. આરોગ્ય માટે જોખમી ગણાતી આ મલાઈનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગે ત્રણેય પેઢીઓમાંથી પનીરના નમૂનાઓ પણ એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટના આધારે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાથમિક કાર્યવાહી અંતર્ગત ત્રણેય એકમોને સીલ કરવામાં આવ્યા છે. ઉપરાંત દરેક પેઢીને રૂ.5 હજાર લેખે કુલ રૂ.15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ભેળસેળયુક્ત અને અખાદ્ય ખાદ્યપદાર્થોનું ઉત્પાદન કે વેચાણ કરતા એકમો સામે આગામી દિવસોમાં પણ સતત ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.




