Dahod Police : કારમાં છુપાવી લવાતો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી

Dahod Police : દાહોદ જિલ્લામાં લીમખેડા પોલીસને વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાત તરફ લાવવામાં આવી રહ્યો હતો.
Vivek Shah
Vivek Shah
Dahod Police liquorDahod Police liquor

Dahod Police liquor

Dahod Police : પોલીસે કારની ઝીણવટભરી તપાસ કરતાં કુલ 1200 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂનો કુલ જથ્થો આશરે 216 લીટર હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.7,33,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજસ્થાનથી દારૂ દાહોદ તરફ આવ્યો

દારૂની હેરાફેરી કરતા સમયે પોલીસે કારમાં સવાર બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે દારૂનો આ જથ્થો રાજસ્થાનમાંથી ગુજરાત તરફ લાવવામાં આવી રહ્યો હતો. દારૂનો જથ્થો ભરી આપનાર રાજસ્થાનનો એક અન્ય ઇસમ પોલીસની પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પણ તપાસ હાથ ધરી છે.

લીમખેડા પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો

લીમખેડા પોલીસ દ્વારા ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા, હ્યુન્ડાઇ ક્રેટા કાર અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી માટે કબજે કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા હાઈવે માર્ગો પર સતત વોચ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાજસ્થાનની સરહદ તરફથી આવતા વાહનોની તપાસ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો પર નજર રાખવામાં આવી રહી છે.

1200 બોટલ વિદેશી દારૂ જપ્ત

લીમખેડા પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે સહિતના મુદ્દે પૂછપરછ હાથ ધરી છે.

હાલ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી રૂ.7.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ ચાલી રહી છે. સમગ્ર નેટવર્ક અંગે તપાસ આગળ વધતાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : રાજસ્થાનથી એનાલોગ પનીર લાવી અમદાવાદમાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપાયું