રાજકોટમાં સાયબર ફ્રોડ કરનાર 3 આફ્રિકન નાગરિક ઝડપાયા:


રાજકોટમાં સાયબર ફ્રોડ કરનાર 3 આફ્રિકન નાગરિક ઝડપાયા:


રાજકોટ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા ત્રણ આફ્રિકન નાગરિકોની ગાઝિયાબાદથી ધરપકડ કરી છે. આરોપીઓએ જસદણના એક ખેડૂતને Facebook પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને સંપર્કમાં લીધો હતો. ત્યાર બાદ ગિફ્ટ મોકલવાની લાલચ આપી અલગ-અલગ બહાનાં હેઠળ તેમની પાસેથી કુલ ₹6.31 લાખ પડાવી લીધા હતા.
કસ્ટમ અધિકારી તરીકે ઓળખ આપી પૈસા પડાવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ખેડૂતને ગિફ્ટ મોકલવાની વાત કરી હતી. બાદમાં ગિફ્ટ કસ્ટમમાં અટકાવવામાં આવી હોવાનું કહીને પોતે કસ્ટમ વિભાગના અધિકારી હોવાની ઓળખ આપી હતી. અલગ-અલગ ચાર્જ અને પ્રક્રિયાના બહાને ખેડૂત પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
15 બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા
સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ફ્રોડની રકમ મેળવવા માટે આરોપીઓએ 15 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મોટાભાગની રકમ ફરીદાબાદ ખાતે ATM મારફતે ઉપાડવામાં આવતી હતી. પોલીસે સમગ્ર નાણાકીય વ્યવહારની તપાસ હાથ ધરી છે.
ChatGPT સહિત AI ટૂલ્સનો ઉપયોગ કરતા
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ સાયબર ફ્રોડ કરવા માટે લોકો સાથે વાતચીત કરવામાં અને છેતરપિંડીની પ્રક્રિયામાં ChatGPT સહિતના AI ટૂલ્સનો ઉપયોગ કરતા હતા. AIની મદદથી વાતચીત માટે જરૂરી મેસેજ તૈયાર કરી લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ
રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે ત્રણેય આરોપીઓની ગાઝિયાબાદ ખાતેથી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા આરોપીઓના અન્ય સાથીદારો, બેંક એકાઉન્ટ્સ અને સાયબર ફ્રોડના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




