રાજકોટ સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ અને વાલીઓનો વિરોધ, દવા-ઇન્જેક્શન અને L.R. ફિલ્ટર બેગના અભાવે મુશ્કેલી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ અને તેમના વાલીઓએ દવા, ઇન્જેક્શન અને L.R. ફિલ્ટર બેગ ઉપલબ્ધ ન હોવાના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. વાલીઓના આક્ષેપ મુજબ, સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી જરૂરી દવાઓ અને સારવાર માટેની સામગ્રી ઉપલબ્ધ ન હોવાથી થેલેસેમિયાથી પીડિત આશરે 500 બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Rahul Desai
Rahul Desai
રાજકોટ સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ અને વાલીઓનો વિરોધ, દવા-ઇન્જેક્શન અને L.R. ફિલ્ટર બેગના અભાવે મુશ્કેલીરાજકોટ સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ અને વાલીઓનો વિરોધ, દવા-ઇન્જેક્શન અને L.R. ફિલ્ટર બેગના અભાવે મુશ્કેલી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ અને તેમના વાલીઓએ દવા, ઇન્જેક્શન અને L.R. ફિલ્ટર બેગ ઉપલબ્ધ ન હોવાના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. વાલીઓના આક્ષેપ મુજબ, સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી જરૂરી દવાઓ અને સારવાર માટેની સામગ્રી ઉપલબ્ધ ન હોવાથી થેલેસેમિયાથી પીડિત આશરે 500 બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

થેલેસેમિયાના દર્દીઓને જરૂરી દવાઓ અને ઇન્જેક્શન બહારથી ખરીદવાની ફરજ પડતી હોવાનો વાલીઓનો આક્ષેપ છે. જેના કારણે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. વાલીઓના જણાવ્યા મુજબ, દવાઓ બહારથી ખરીદવા માટે દર મહિને અંદાજે રૂ. 18થી 20 હજાર સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

આ સમસ્યા તરફ તંત્રનું ધ્યાન દોરવા માટે વિરોધ દરમિયાન એક યુવાને ‘ચાર્લી ચેપ્લિન’નો વેશ ધારણ કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. બાળકોને હસાવવાની સાથે સિવિલ તંત્રની આંખ ઉઘાડવાનો સંદેશ આપવાના હેતુથી આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો.

વાલીઓનું કહેવું છે કે આ અંગે અગાઉ પણ સિવિલ હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ યોગ્ય જવાબ કે કાયમી ઉકેલ મળ્યો નથી. બીજી તરફ, દાતાઓ દ્વારા L.R. મશીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હોવા છતાં જરૂરી L.R. ફિલ્ટર બેગ ઉપલબ્ધ ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

વાલીઓ અને દર્દીઓએ તંત્રને સત્વરે જરૂરી દવાઓ, ઇન્જેક્શન અને L.R. ફિલ્ટર બેગની વ્યવસ્થા કરવા માંગ કરી છે, જેથી થેલેસેમિયાના બાળકોને સારવાર માટે બહારથી દવાઓ ખરીદવાની ફરજ ન પડે અને ગરીબ પરિવારોને આર્થિક રાહત મળે.