રાજકોટમાં જર્જરિત મકાન ધરાશાયી, એક વ્યક્તિનું મોત


રાજકોટમાં જર્જરિત મકાન ધરાશાયી, એક વ્યક્તિનું મોત


રાજકોટ શહેરના બેડીપરા વિસ્તારમાં આવેલી શ્રમજીવી સોસાયટીમાં મોડી રાત્રે જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, બેડીપરા વિસ્તારમાં રામજી મંદિર ચોક નજીક આવેલું જર્જરિત મકાન મોડી રાત્રે અચાનક ધડાકાભેર ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં તેનો કાટમાળ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તેમજ 108 ઇમરજન્સી સેવાનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ નીચે કોઈ વ્યક્તિ દટાઈ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યૂ કામગીરી દરમિયાન કાટમાળ નીચેથી એક વ્યક્તિ મળી આવ્યો હતો, જોકે તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. મૃતકની ઓળખ અજયભાઈ કુરજીભાઈ બેલદાર તરીકે થઈ છે.
આ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ, મકાનનો કાટમાળ હટાવવા માટે તંત્ર દ્વારા જેસીબી મશીન પણ ઘટનાસ્થળે લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે જર્જરિત અને જોખમી બાંધકામો પર જોખમ વધ્યું છે. ત્યારે આ દુર્ઘટનાએ શહેરમાં જર્જરિત મકાનોની સુરક્ષા અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા છે.




