રાજકોટમાં આરોગ્ય વિભાગનો ધાડો: જાણીતી ‘બાલાજી થાળ’ રેસ્ટોરન્ટમાં શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી



રાજકોટમાં આરોગ્ય વિભાગનો ધાડો: જાણીતી ‘બાલાજી થાળ’ રેસ્ટોરન્ટમાં શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી



રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ અને આરોગ્ય વિભાગ અચાનક જ એક્શન મોડમાં આવ્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જાણીતી ‘બાલાજી થાળ’ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે દરોડો પાડતા રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ વેસ્ટ ગેટ બિલ્ડિંગમાં આવેલી આ પ્રખ્યાત રેસ્ટોરન્ટના રસોડામાં આરોગ્ય વિભાગની ટીમે ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન રસોડામાંથી અનેક શંકાસ્પદ તેમજ અખાદ્ય વસ્તુઓનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જ તમામ શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ જરૂરી નમૂનાઓ એકત્રિત કરીને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહી બાદ શહેરના ફૂડ બિઝનેસ ઓપરેટરોમાં ચકચાર મચી ગઈ છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રેસ્ટોરન્ટ સંચાલક પૃથ્વીરાજસિંહ ઝાલા અને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારે સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાલ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




