રાજકોટમાં બેકરીના ટોસ્ટમાંથી જીવતી ઇયળ મળી આવતા ચકચાર


રાજકોટમાં બેકરીના ટોસ્ટમાંથી જીવતી ઇયળ મળી આવતા ચકચાર


રાજકોટમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના ત્રિકોણબાગ વિસ્તારમાં આવેલી એક બેકરીમાંથી ગ્રાહકે ખરીદેલા ટોસ્ટમાંથી જીવતી ઇયળ મળી આવી હોવાનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગ્રાહકે બેકરીમાંથી ટોસ્ટ ખરીદ્યા બાદ તેમાં જીવતી ઇયળ જોવા મળી હતી. સમગ્ર ઘટનાનો ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કરતાં મામલો ચર્ચામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં જ શહેરમાં વિવિધ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવા માટે મેગા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજીનને લઈને તપાસ કરવામાં આવી રહી છે.
આવી સ્થિતિ વચ્ચે બેકરીમાંથી ખરીદેલા ટોસ્ટમાં જીવતી ઇયળ મળી આવ્યાનો કિસ્સો સામે આવતા ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ખાદ્ય પદાર્થોના વેચાણ પહેલાં તેની ગુણવત્તા અને સ્વચ્છતાની પૂરતી ચકાસણી થાય છે કે કેમ તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.
હવે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ તપાસ હાથ ધરે છે કે કેમ અને સંબંધિત બેકરી સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. તપાસ બાદ જ ઘટનાની હકીકત અને જવાબદારી અંગે સ્પષ્ટતા થઈ શકશે.




