રાજકોટના બાગેશ્વર દરબાર વિવાદ પર આયોજક મંગેશ દેસાઈની પ્રતિક્રિયા, કહ્યું- ધુણતા લોકો સાથે આયોજકોને કોઈ લેવાદેવા નથી



રાજકોટના બાગેશ્વર દરબાર વિવાદ પર આયોજક મંગેશ દેસાઈની પ્રતિક્રિયા, કહ્યું- ધુણતા લોકો સાથે આયોજકોને કોઈ લેવાદેવા નથી



રાજકોટ રાજકોટમાં યોજાયેલા બાગેશ્વર ધામના દિવ્ય દરબાર દરમિયાન કેટલાક લોકો ધૂણતા હોવાના વીડિયો વાયરલ થયા બાદ ઉભા થયેલા વિવાદ વચ્ચે આયોજક મંગેશ દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ધુણતા લોકો અને આયોજકો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.
મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે કાર્યક્રમ માટે વિવિધ પ્રકારની જવાબદારીઓ અલગ-અલગ આયોજકોને સોંપવામાં આવી હતી. કાયદાકીય મંજૂરી અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ અંગેની તમામ વિગતો તેમની પાસે ઉપલબ્ધ નથી.
તેમણે વધુમાં કહ્યું કે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કોઈ વ્યક્તિને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નથી કે કોઈ પ્રકારનું પ્રેરક સાધન વાપર્યું નથી. કાર્યક્રમ દરમિયાન જે લોકો ધૂણતા જોવા મળ્યા હતા તેઓ પ્રેક્ષકોમાંથી જ સામે આવ્યા હતા.
મંગેશ દેસાઈના જણાવ્યા અનુસાર, બાબાના મંત્રોચ્ચાર બાદ કેટલાક લોકોમાં ધાર્મિક અથવા આધ્યાત્મિક અનુભૂતિ સર્જાઈ હોઈ શકે છે. આ ઘટનાને લઈને વિવિધ અર્થઘટનો થઈ રહ્યા છે.
જન વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે જો મામલો કોર્ટ સુધી પહોંચશે તો કાયદાકીય રીતે બચાવ પક્ષની રજૂઆત કરવામાં આવશે. કાયદો દરેક માટે સમાન છે અને તે મુજબ જ કાર્યવાહી થવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે દરેક સમાજની પોતાની ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓ હોય છે. "વિજ્ઞાન જ્યાં પૂર્ણ થાય છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે," તેમ કહી તેમણે ધાર્મિક આસ્થાના સન્માનની પણ વાત કરી હતી.
સાથે જ તેમણે દાવો કર્યો હતો કે જન વિજ્ઞાન જાથાને કોઈ વિશેષ કાનૂની સત્તા કે લાયસન્સ પ્રાપ્ત નથી અને સમગ્ર મુદ્દે યોગ્ય મંચ પર જવાબ આપવામાં આવશે.




