Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં બાગેશ્વર દરબારના વાયરલ વીડિયો મુદ્દે વિવાદ, જન વિજ્ઞાન જાથાએ પોલીસ કાર્યવાહીની કરી માંગ

રાજકોટમાં બાગેશ્વર દરબાર દરમિયાન કેટલાક લોકો ધૂણતા હોવાના વાયરલ વીડિયો બાદ વિવાદ ઊભો થયો છે. ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 Jun 2026 12:24 PM IST
રાજકોટમાં બાગેશ્વર દરબારના વાયરલ વીડિયો મુદ્દે વિવાદ, જન વિજ્ઞાન જાથાએ પોલીસ કાર્યવાહીની કરી માંગરાજકોટમાં બાગેશ્વર દરબારના વાયરલ વીડિયો મુદ્દે વિવાદ, જન વિજ્ઞાન જાથાએ પોલીસ કાર્યવાહીની કરી માંગ

રાજકોટ રાજકોટમાં યોજાયેલા બાગેશ્વર દરબાર દરમિયાન કેટલાક લોકો ધૂણતા અને બેકાબૂ બન્યાના વીડિયો વાયરલ થયા બાદ વિવાદ ઊભો થયો છે. આ મામલે ભારત જન વિજ્ઞાન જાથાના કાર્યકર જયંત પંડ્યાએ નિવેદન આપીને પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે.

જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે દરબાર દરમિયાન ડાકિની, શાકિની, પિશાચિની અને ભૂત-પ્રેત સંબંધિત દાવાઓ જાહેરમાં રજૂ કરવામાં આવ્યા હતા, જે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા હોવાનું જણાય છે. તેમણે આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તેમના જણાવ્યા મુજબ, કાર્યક્રમ દરમિયાન જોવા મળેલા દૃશ્યોને અલૌકિક ઘટના તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે, જ્યારે ધૂણવા જેવી ઘટનાઓ પાછળ માનસિક, સામાજિક અથવા અન્ય વૈજ્ઞાનિક કારણો હોઈ શકે છે. તેમણે દાવો કર્યો હતો કે લોકો પર કહેવાતી ભૂત-પ્રેત અથવા ચૂડેલ દ્વારા હુમલાની વાતો સમાજમાં ગેરસમજ ફેલાવનારી અને નિંદનીય છે.

ભારત જન વિજ્ઞાન જાથાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોર્ટનો આશરો લઈને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સાથે જ, કાર્યક્રમના આયોજકો અને બાગેશ્વર દરબાર સાથે સંકળાયેલા જવાબદારો સામે પણ તપાસ કરીને જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.