રાજકોટમાં બાબા બાગેશ્વર કથાને લઈને વિવાદ તેજ, વિજ્ઞાન જાથાએ રાજ્યભરમાં જાગૃતિ અભિયાનની જાહેરાત કરી



રાજકોટમાં બાબા બાગેશ્વર કથાને લઈને વિવાદ તેજ, વિજ્ઞાન જાથાએ રાજ્યભરમાં જાગૃતિ અભિયાનની જાહેરાત કરી



રાજકોટ: શહેરના રેસકોર્સ મેદાન ખાતે 5થી 7 જૂન દરમિયાન યોજાનારી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન હનુમંત કથા અને દિવ્ય દરબારને લઈને વિવાદ વધતો જોવા મળી રહ્યો છે.
વિજ્ઞાન જાથાએ આ કાર્યક્રમના “દિવ્ય દરબાર” ભાગ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. સંસ્થાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે તેમનો વિરોધ ધાર્મિક કથાને લઈને નહીં પરંતુ તેમાં કરવામાં આવતા દાવાઓને લઈને છે.
તેમણે આક્ષેપ કર્યો કે કેન્સર, માનસિક રોગો સહિતના ગંભીર રોગો મટાડવાના દાવાઓ વૈજ્ઞાનિક આધાર વિનાના છે અને લોકોની શ્રદ્ધાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઉપરાંત “દિવ્ય શક્તિ” દ્વારા વ્યક્તિગત માહિતી આપવી કે પરચી કાઢવાની પ્રક્રિયા ટેકનોલોજી અથવા પૂર્વ આયોજન આધારિત હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
વિજ્ઞાન જાથાએ વધુમાં જણાવ્યું છે કે આવી પ્રવૃત્તિઓથી સામાન્ય લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. સંગઠને દાવો કર્યો કે સમાજમાં વિજ્ઞાન આધારિત વિચારધારા જરૂરી છે અને અંધશ્રદ્ધા સમાજને પાછળ ધકેલી શકે છે.
સંસ્થાએ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને ગામડાઓમાં ત્રણ દિવસીય જાગૃતિ અભિયાન અને સૂત્રોચાર કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. રાજકોટમાં 4 અને 5 જૂનના રોજ વિરોધ કાર્યક્રમો યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વિજ્ઞાન જાથાએ જણાવ્યું છે કે તમામ કાર્યક્રમો કાયદાની મર્યાદામાં રહીને અને જરૂરી મંજૂરી સાથે યોજાશે. જો કોઈ કાયદા ભંગના પુરાવા મળે તો પોલીસ સમક્ષ રજૂ કરી કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બાબા બાગેશ્વરના કાર્યક્રમોને લઈને અગાઉ પણ વિવિધ સ્થળોએ સમર્થન અને વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી છે. રાજકોટમાં યોજાનારી આ કથાને લઈને હાલ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા વધુ ગરમાઈ છે.




