જાપાન ઓપનમાં પીવી સિંધુનો શાનદાર વિજય, વિશ્વ નંબર-5 હાન યુને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં


ફાઈલ ફોટો
જાપાન ઓપનમાં પીવી સિંધુનો શાનદાર વિજય, વિશ્વ નંબર-5 હાન યુને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં


ફાઈલ ફોટો
ટોક્યો: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક પદક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતાં ચીનની વિશ્વ નંબર-5 ખેલાડી હાન યુને સીધા બે ગેમમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
વિશ્વ ક્રમાંક-10 પીવી સિંધુએ માત્ર 35 મિનિટમાં 21-16, 21-14થી જીત નોંધાવી હતી. આ જીત સાથે હાન યુ સામે સિંધુનો હેડ-ટુ-હેડ રેકોર્ડ હવે 8-1 થયો છે. આ સિઝનમાં સિંધુના શ્રેષ્ઠ પ્રદર્શનોમાં આ જીતનો સમાવેશ થાય છે.
પ્રથમ ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. શરૂઆતમાં હાન યુએ રમત પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારબાદ સિંધુએ સચોટ શોટ્સ અને આક્રમક રમતના બળે સતત પોઈન્ટ મેળવતા 21-16થી પ્રથમ ગેમ પોતાના નામે કરી હતી.
બીજી ગેમમાં સિંધુએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું અને સતત આઠ પોઈન્ટ જીતી 8-0ની સરસ લીડ મેળવી હતી. હાન યુએ વાપસીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંધુએ પોતાની લય જાળવી રાખતાં 21-14થી બીજી ગેમ પણ જીતી મેચ પોતાના નામે કરી હતી.
આ જીત સાથે પીવી સિંધુ હવે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની પૂર્વ વિશ્વ ચેમ્પિયન નોઝોમી ઓકુહારાનો સામનો કરશે. ઓકુહારાને બીજા રાઉન્ડમાં વોકઓવર મળ્યો હતો, કારણ કે દક્ષિણ કોરિયાની વિશ્વ નંબર-1 એન સે-યંગ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
બીજી તરફ, ભારતની મિક્સ્ડ ડબલ્સ જોડી ધ્રુવ કપિલા અને તનીષા ક્રાસ્ટો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની ટોચની જોડી સામે 20-22, 17-21થી પરાજિત થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. હવે જાપાન ઓપનમાં ભારત તરફથી પીવી સિંધુ એકમાત્ર દાવેદાર તરીકે બચી છે.




