સેશેલ્સ માટે રવાના થયા પીએમ મોદી, કહ્યું- હિંદ મહાસાગરમાં સુરક્ષા અને સમુદ્રી સહયોગને મળશે નવી મજબૂતી



સેશેલ્સ માટે રવાના થયા પીએમ મોદી, કહ્યું- હિંદ મહાસાગરમાં સુરક્ષા અને સમુદ્રી સહયોગને મળશે નવી મજબૂતી



નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે સેશેલ્સ માટે રવાના થયા છે. તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. પ્રવાસ પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાત ભારત અને સેશેલ્સ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે તેમજ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સમુદ્રી સહયોગ, સુરક્ષા અને સમૃદ્ધિને નવી દિશા આપશે.
પીએમ મોદીએ જણાવ્યું કે સેશેલ્સ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો મહત્વપૂર્ણ સમુદ્રી પડોશી દેશ અને 'વિઝન મહાસાગર'નો મુખ્ય ભાગીદાર છે. બંને દેશો ગ્લોબલ સાઉથના હિતો અને પ્રાથમિકતાઓને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે આ વર્ષ ભારત અને સેશેલ્સ વચ્ચે રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેનો સંબંધ પરસ્પર વિશ્વાસ, લોકશાહી મૂલ્યો, વિવિધતાના સન્માન અને લોકો વચ્ચેના ગાઢ સંબંધો પર આધારિત રહ્યો છે.
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ઉપરાંત તેઓ સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરશે અને ત્યાં વસતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે.
પીએમ મોદીએ જણાવ્યું કે સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનાર તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. તેમણે આને બંને દેશો વચ્ચેના મજબૂત લોકશાહી મૂલ્યો અને સંસદીય પરંપરાનું પ્રતિક ગણાવ્યું.
તેમણે વધુમાં કહ્યું કે સેશેલ્સમાં વસતો ભારતીય સમુદાય વર્ષોથી બંને દેશો વચ્ચે મિત્રતાનો મજબૂત સેતુ બની રહ્યો છે. આ પ્રવાસથી દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે અને હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવવાના સંયુક્ત વિઝનને નવી ગતિ મળશે.




